રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકો ફરાર, વરઘોડિયા રઝળયા

રાજકોટ: રેલનગર વિસ્તારમાં આવેલા એક મેદાનમાં આજે ઋષિવંશી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ વહેલી સવારે વર અને કન્યા પક્ષના લોકો આવી ગયા પણ આયોજકો ન આવતા વરઘોડિયા રઝળી પડ્યાની ઘટના સામે આવી છે.

28 યુગલોના સમૂહ લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. મંડપ નાખી દેવામાં આવ્યા હતા. તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ હતી. સવારે વર અને કન્યા પક્ષના લોકો તૈયાર થઈને આવી ગયા પણ આયોજકો જ ફરક્યા નહી. આયોજકોના ફોન લાગતા ન હતા. દોડાદોડી થઈ પડી.

પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. કેટલાક યુગલો તૈયાર હતા તેમના લગ્ન કરાવવા ભૂદેવને પોલીસે બોલાવ્યા. પોલીસે હવે આયોજકોની ભૂમિકામાં આવી આ મામલે તપાસ હાથ ધરી છે.

વર-કન્યા પક્ષના લોકોના કહેવા મુજબ આયોજકોએ દરેક પાસે 15 થી 20 હજાર રૂપિયા લીધા છે. આમ મોટી રકમ ઉઘરાવી આયોજકો છુ થઈ જતા. પોલીસે તપાસ હાથ ધરી છે. એક આયોજક તબિયત સારી ન હોય તેમ કહીને હોસ્પિટલમાં દાખલ થયેલ છે. આ ઘટનાએ ભારે રમૂજ સાથે વર અને કન્યા પક્ષના લોકોને દોડતા કરી દીધા છે. કેટલાક કોંગ્રેસ આગેવાનો પણ બનાવના સ્થળે પહોંચ્યા હતા. કેટલાક તો લીલા તોરણે પાછા ગયા છે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસવીર- નિશુ કાચા)