બિહાર કોંગ્રેસમાં ટિકિટની વહેંચણીને લઈને ઘમસાણ

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં આંતરિક જૂથબાજી ખુલ્લેઆમ સામે આવી છે. બેઠક વહેંચણી અને ઉમેદવારોની પસંદગીને લઈને પક્ષ બે જૂથોમાં વહેંચાઈ ગયો છે. કોંગ્રેસનું એક મોટું જૂથ ટિકિટની વહેંચણીથી અસંતોષી છે અને આજે બપોરે 12 વાગ્યે પટનામાં એક મહત્વપૂર્ણ બેઠક તથા પ્રેસ કોન્ફરન્સ રાખી રહ્યો છે. આ બેઠકમાં ભૂતપૂર્વ વિધાનસભ્યો, જિલ્લા અધ્યક્ષો, ભૂતપૂર્વ ઉમેદવારો અને અનેક વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ હાજર રહેવાની શક્યતા છે.

જાતિ આધારિત સમીકરણોને લઈને અસંતોષ

આ અસંતોષનું મૂળ જાતિઆધારિત રીતે ટિકિટ વહેંચવાનો નિર્ણય છે. કોંગ્રેસ હાઈકમાન્ડના આ નિર્ણયથી એક જૂથ ખૂબ નારાજ છે અને તેને “દલિત કાર્ડ”ની રાજકારણ ગણાવી રહ્યું છે. આ જૂથોનું માનવું છે કે લાયક ઉમેદવારોની અવગણના કરીને માત્ર જાતિ સંતુલન જાળવવા માટે ટિકિટો આપવામાં આવી રહી છે.

કોંગ્રેસ અધ્યક્ષ સામે બળવો

આ વિવાદના કેન્દ્રમાં છે બિહાર કોંગ્રેસ અધ્યક્ષ રાજેશ રામ. તેમના વિરુદ્ધ પક્ષની અંદર ભારે અસંતોષ છે. બે દિવસ પહેલાં પટના એરપોર્ટ પર તેમની હાજરીમાં જ કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી અને લાતંલાત સુધીની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાએ પક્ષની આંતરિક સ્થિતિ વધુ ખુલ્લી પાડી છે.

રાજેશ રામનો પ્રતિકાર

આ ઘટનાઓ વચ્ચે રાજેશ રામે સોશિયલ મિડિયા X  પર એક તીખો સંદેશ પોસ્ટ કર્યો. તેમણે લખ્યું હતું કે “દલિત દબાશે નહીં… ઝૂકશે નહીં, હવે ઇન્કલાબ થશે…” તેમના આ સંદેશને વિરોધીઓ માટે ચેતવણી અને પક્ષની અંદર પોતાની સ્થિતિ મજબૂત કરવાની કોશિશ તરીકે જોવામાં આવી રહ્યું છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો આ વિવાદને તાત્કાલિક ન ઉકેલવામાં આવે તો ચૂંટણીની તૈયારી પર તેની ગંભીર અસર પડશે.