સરકારી યોજનાઓમાં વ્યાપક કૌભાંડનો કોંગ્રેસનો આરોપ

ગાંધીનગર: રાજ્યમાં મનરેગા અને ‘નલ સે જલ’ યોજનામાં વ્યાપક કરોડોના કૌભાંડ થયા હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસ વિધાનસભાના નેતા અમિત ચાવડા અને ધારાસભ્યોએ આજે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું. કોંગ્રેસે આ કૌભાંડોની તટસ્થ તપાસ માટે ન્યાયિક અને બંધારણીય હોદ્દા ધરાવતા લોકોની વિશેષ તપાસ સમિતિ (SIT) બનાવવાની, કૌભાંડમાં સંડોવાયેલા મંત્રી બચુભાઈ ખાબડને તાત્કાલિક અસરથી હટાવવા અને કૌભાંડીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ રાજ્યપાલને કરેલી અપીલમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં મનરેગા યોજનાના અનિયમિત ખર્ચ અને સંભવિત ભ્રષ્ટાચારના કેસોની તપાસ માટે રાજ્યસ્તરીય SITની રચના કરવી અનિવાર્ય છે. તેમણે રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રોની સંડોવણી અંગે પણ રાજ્યપાલ સમક્ષ ગંભીર રજૂઆત કરી છે.

આવેદનપત્રમાં કોંગ્રેસે તાલુકાવાર ઘટનાઓમાં રૂ. 100 કરોડથી વધુનીા ગેરવહીવટની આશંકા વ્યક્ત કરી છે. ખાસ કરીને ડાંગ, પંચમહાલ, ધાનપુર અને પાવાગઢ જેવા વિસ્તારોમાં દ્રષ્ટિગત વિસંગતતાઓ હોવાનો દાવો કરાયો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, સરકાર આ અંગે કોઈ કાર્યવાહી કરી રહી નથી. જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આ મામલે વારંવાર અરજીઓ, પ્રશ્નોતરી અને લેખિત રજૂઆતો કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં પણ રૂ. 100 કરોડ કરતાં વધુના ભ્રષ્ટાચારના પુરાવા સહિતની ફરિયાદો હોવા છતાં, તેના પર કોઈ કાર્યવાહી ન થતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. સાથે જ રાજ્યપાલને આ મામલે કડક સૂચના આપવા વિનંતી કરી છે.