ગાંધીનગર: ગ્લાસગો ખાતે યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સ (CWG) પૂર્ણ થઈ છે. આગામી 2030 કોમનવેલ્થ ગેમ્સના યજમાન રાજ્ય તરીકે ગુજરાતને સોંપાયેલો કોમનવેલ્થ ગેમ્સનો સત્તાવાર ધ્વજ ગાંધીનગર આવી પહોંચ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કેબિનેટ બેઠકમાં આ ધ્વજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગૌરવ અને સન્માન સાથે વિધિવત અર્પણ કર્યો હતો. આ પ્રસંગે રાજ્ય મંત્રીમંડળે ધ્વજનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું.
ભારતે આ વખતની કોમનવેલ્થ ગેમ્સમાં ૧૩ ગોલ્ડ, ૧૭ સિલ્વર અને ૯ બ્રોન્ઝ સાથે કુલ ૩૯ મેડલ મેળવીને મેડલ ટેલીમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખાસ કરીને ભારતીય પેરા-એથ્લેટ્સ માટે આ ગેમ્સ ઐતિહાસિક બની રહી હતી; તેમણે ૩ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ સાથે ઉત્કૃષ્ટ પદાર્પણ કર્યું અને CWGમાં ભારતીય પેરા-એથ્લેટિક્સ પોડિયમ માટેની ૨૦ વર્ષની આતુરતાનો અંત લાવ્યા.
આ કોમનવેલ્થ ફ્લેગ આગામી 2030ની રમતોત્સવ સ્પર્ધા સુધી ગુજરાતમાં જ રહેશે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “ફિટ ઈન્ડિયા” મંત્રને વેગ આપવા સાથે રમતવીરો માટે પ્રેરણાપુંજ બનશે.
-
યજમાનીની જવાબદારી: ધ્વજનું હસ્તાંતરણ આગામી યજમાન દેશને રમતોત્સવના સફળ આયોજનની સત્તાવાર જવાબદારી સોંપે છે.
-
પરંપરા અને એકતા: તે દર્શાવે છે કે રમતોત્સવનો વારસો અવિરત આગળ વધી રહ્યો છે અને “Sport Unites Us All” ના સંદેશ દ્વારા કોમનવેલ્થ દેશો વચ્ચે વિશ્વાસ, શાંતિ અને મિત્રતા મજબૂત કરે છે.
-
તૈયારીઓની ઔપચારિક શરૂઆત: ધ્વજ મળતાની સાથે જ આગામી યજમાન રાજ્ય/દેશ માટે પૂર્વ-તૈયારીઓનો વિધિવત પ્રારંભ થઈ જાય છે.




