અમદાવાદ: શહેર સ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશને રાજ્ય સરકાર સાથે મળીને ૧૦ માર્ચના રોજ કોમનવેલ્થ ડે ઉજવ્યો હતો. જેમાં રમતગમત, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતા અને મુખ્ય કાર્યક્રમોના વિતરણમાં સહયોગને આગળ વધારવા માટે હિસ્સેદારોને એક સાથે લાવવામાં આવ્યા હતા.
૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે અમદાવાદ શહેર તૈયાર થઈ રહ્યું છે. ત્યારે યુકેની કંપનીઓએ ઉચ્ચ ગુણવત્તાવાળી માળખાગત સુવિધાઓ વિકસાવવામાં, ગુજરાતની લાંબાગાળાની મહત્વાકાંક્ષાઓને પૂરી કરવા માટે અદ્યતન ઉકેલો રજૂ કર્યા હતા. યુકે અને ભારત – કોમનવેલ્થના બે સૌથી મોટાં અને સૌથી પ્રભાવશાળી સભ્યો – માટે રાઉન્ડટેબલ ચર્ચા યોજવામાં આવી. જેમાં લોકોથી લોકોના સંબંધો, લોકશાહી સિદ્ધાંતો અને વિકાસ અને સમૃદ્ધિ માટે સહિયારી પ્રતિબદ્ધતામાં મૂળ ધરાવતી ઊંડી અને આધુનિક ભાગીદારીને પ્રકાશિત કરવાની તક આપી.
યુકે કોમનવેલ્થના તેના સભ્યપદને એક જીવંત વૈશ્વિક નેટવર્ક તરીકે ખૂબ મહત્વ આપે છે. ભારતનું નેતૃત્વ અને વધતી જતી વૈશ્વિક ભૂમિકા પણ એટલી જ મહત્ત્વની છે. ત્યારે રમતગમત ક્ષેત્રમાં રાજદ્વારી અને માળખાગત સુવિધાઓ જેવાં પ્રાથમિક ક્ષેત્રોમાં સંગઠનની ભાવિ દિશાને આકાર આપવાનું યુકે ચાલુ રાખે છે.
રાઉન્ડ ટેબલ બેઠક પછી બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટીફન હિકલિંગ દ્વારા સ્વાગત સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સરકાર-થી-સરકાર અને વ્યવસાય-થી-વ્યવસાય જોડાણ માટે વધુ ઊંડાણપૂર્વકની તક ઊભી કરે છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામિત આ બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા.
ગુજરાત અને રાજસ્થાનમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર, સ્ટીફન હિકલિંગે કહ્યું, કોનવેલ્થની સૌથી મોટી તાકાત વિવિધ રાષ્ટ્રો એકબીજાને ટેકો આપવા માટે એક સાથે આવે છે. અમે 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની રાહ જોઈ રહ્યા છીએ. જે લોકશાહી, સમાનતા અને બધા સભ્ય દેશો માટે સમાન અવાજના આપણા સહિયારા મૂલ્યોને વધુ પ્રોત્સાહન આપશે. આજે મને યુકેની કંપનીઓને અમદાવાદ લાવવાનો ખૂબ જ આનંદ છે. જેથી તેઓ ગુજરાતની મહત્વાકાંક્ષાઓના વિશાળ પાયાને સમજી શકે અને ભારતીય વ્યાપારી ભાગીદારો સાથે મળીને મોટાપાયે જાહેર અને રમતગમતના કાર્યક્રમો યોજવામાં યુકેના અપ્રતિમ અનુભવનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે વિશે માહિતી મેળવે.




