Breaking News : મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનું રાજીનામું

ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને જેલ મંત્રી સત્યેન્દ્ર જૈને દિલ્હી સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી મુજબ સીએમ અરવિંદ કેજરીવાલે બંને મંત્રીઓના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. બંને મંત્રીઓ આ દિવસોમાં વિવાદોમાં ફસાયેલા છે. ભાજપ તરફથી આ મંત્રીઓના રાજીનામાની સતત માંગ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન દિલ્હી સરકારમાં આ મોટો ફેરબદલ થયો છે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે દિલ્હીના લાખો બાળકોના માતા-પિતા આ નિર્ણયથી દુખી છે.

દિલ્હીના શિક્ષણમંત્રીની સીબીઆઈ દ્વારા રવિવારે કરવામાં આવેલી ધરપકડ પછી આજે સુપ્રીમ કોર્ટમાં તેમણે આ બાબતે પડકાર ફેંક્યો હતો જ્યાંથી તેમને મોટો ઝટકો મળ્યો છે, આ ઝટકા પછી આજે મંગળવારે સાંજે તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું છે. સાથે જ સત્યેન્દ્ર જૈને પણ રાજીનામુ આપી દીધાની વિગતો સામે આવી રહી છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડના મામલામાં સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી દરમિયાન કડકાઈથી પુછ્યું હતું કે સીધા સુપ્રીમ કોર્ટમાં કેમ આવી ગયા. પહેલા હાઈકોર્ટ જાઓ. મનીષ સિસોદિયાની સીબીઆઈએ રવિવારે ધરપકડ કરી હતી. સિસોદિયાએ સુપ્રીમ કોર્ટમાં પોતાની ધરપકડ અને સીબીઆઈ તપાસને લઈને પડકાર આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને થોડા સમય પહેલા જ સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સિસોદિયા વતી તેમની ધરપકડને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન CJIએ પૂછ્યું કે તમે આ મામલે સીધા સુપ્રીમ કોર્ટમાં કેમ ગયા? તમે તમારી મુક્તિ માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કરો.