ઉત્તરાખંડની હર્ષિલ વેલીમાં વાદળ ફાટ્યું: 10નાં મોત

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લામાં આવેલી હર્ષિલ વેલીમાં વાદળ ફાટ્યું છે. વાદળ ફાટવાથી અહીં જ હર્ષિલ નજીક આવેલું ધરાલી નગર પાણીની ઝપેટમાં આવી ગયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ધરાલીમાં વરસાદી નાળા પાસે આવેલાં અનેક મકાનો પાણીમાં વહી ગયાં છે. અત્યાર સુધી 10નાં મોત થયાં છે

અહીં આશરે 15 મકાન વહી ગયા છે તેમ જ આશરે 50થી 60 લોકોને ગુમ થયા હોવાની માહિતી છે. આર્મી અને પોલીસની ટીમો બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ છે. SDRF અને NDRFની ટીમો ભટવાડીથી ધરાલી માટે રવાના થઈ ચૂકી છે, જ્યારે ઋષિકેશથી પણ અન્ય બચાવ ટીમોને મોકલવામાં આવી છે.

ધરાલી ખાતે ખીર ગંગા નદીમાં વાદળ ફાટવાને કારણે આ વિનાશક દૃશ્યો જોવા મળ્યાં છે. કહેવાય છે કે આ દુર્ઘટનામાં લગભગ 50થી 60 લોકો લાપતા છે. નદીના કાંઠે અચાનક આવેલા પૂરથી હજારો હોટલો અને હોમસ્ટેને નુકસાન પહોંચ્યું છે. તેમાં ઘણા મજૂરો ફસાઈ ગયા હોવાની પણ આશંકા છે. પાણી આવતા જ ત્યાં હાહાકાર મચી ગયો હતો, પરંતુ લોકોને બચવાનો મોકો મળ્યો ન હતો. પૂર સાથે મોટા મોટા પથ્થરો અને લાકડાના ઠોકરાં પણ વહેતા આવી રહ્યા હતા અને એના તળે આવી ગયાથી અનેક લોકોના મોતની આશંકા છે.

CM પુષ્કર સિંહ ધામીએ વાદળ ફાટવાની ઘટનાથી થયેલા નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે NDRF અને SDRFની ટીમો યુદ્ધને ધોરણે રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. પોલીસ અને આર્મી ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને SDRFની ટીમ પણ ટૂંક સમયમાં ત્યાં પહોંચી જશે. SDRFની ટીમ ભટવાડીમાંથી રવાના થઈ ગઈ છે. વાદળ ફાટવાની આ ઘટના બપોરે 1:55 વાગ્યે બની હતી. ભૂતપૂર્વ CM ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું હતું કે ત્યાં ઘણું નુકસાન થયું છે, પરંતુ માનવહાનિ વિશે હાલ કંઈ નિશ્ચિત રીતે કહી શકાય નહીં. ધરાલી ગંગોત્રી રૂટ પર આવેલું છે અને આ વિસ્તાર ધાર્મિક તેમ જ સૈન્યની દૃષ્ટિએ પણ અતિ મહત્વપૂર્ણ છે. અહીંથી નિલોંગ વેલી માટે પણ રસ્તો જાય છે, જ્યાં આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે.