જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટ્યું, 15થી વધુનાં મોત

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં મચ્છૈલ માતા યાત્રાના માર્ગે પડ્ડેર સબ-ડિવિઝનના ચિશોતી ગામમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ વેરાયો છે. વાદળ ફાટતાં ચિશોતી ગામમાં અચાનક પૂર આવી ગયું હતું. અનેક લોકો વહી ગયા હોવાની પણ માહિતી મળી છે. વાદળ ફાટવાથી 15 કરતાં વધુ લોકોનાં મોત થયાં છે. ડીસી કિશ્તવાડે 12-15 લોકોના મોતની પુષ્ટિ કરી છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધે એવી શક્યતા છે.

. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે જણાવ્યું છે કે ચિશોતી વિસ્તારમાં વાદળ ફાટ્યું છે, જેને કારણે મોટા પાયે નુકસાન થવાની આશંકા છે. તેમણે જણાવ્યું હતું કે પ્રશાસન તાત્કાલિક કાર્યવાહી માટે લાગી ગયું છે, બચાવ દળોને ઘટના સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય પ્રધાને આ મામલે કિશ્તવાડના ડીસી પંકજકુમાર શર્મા સાથે વાત કરી છે. તેમણે સ્થાનિક વિધાનસભ્ય અને જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં વિપક્ષના નેતા સુનીલકુમાર શર્મા સાથે પણ વાત કરી હતી.

જમ્મુ-કાશ્મીરમાં વિપક્ષના નેતા અને પડ્ડેર-નાગસેનીના વિધાનસભ્ય સુનીલકુમાર શર્માએ જણાવ્યું હતું કે અમારિ પાસે હજી સુધી કોઈ સંખ્યા અથવા ડેટા નથી, પરંતુ ત્યાં ભારે નુકસાન થવાની શક્યતા છે. યાત્રા ચાલુ હોવાને કારણે આ વિસ્તાર ભીડભાડવાળો છે. હું ઉપરાજ્યપાલ સાથે વાત કરીશ અને બચાવ કાર્યો માટે NDRF ટીમની માગ કરીશ.

હવામાન વિભાગની ચેતવણી

બીજી તરફ શ્રીનગર હવામાન કેન્દ્રએ જણાવ્યું છે કે આગામી 4-6 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ અને જોરદાર પવન સાથે હળવા તીવ્ર ઝાપટાં પડવાની શક્યતા છે.

કુપવાડા, બારામૂલા, બંદીપોરા, શ્રીનગર, ગાન્ડરબલના કેટલાક વિસ્તારોમાં, બડગામ, પુન્ચ, રાજૌરી, રિયાસી, ઉધમપુર, ડોડા, કિશ્તવાડના પહાડી વિસ્તારોમાં અને કાજીગુન્ડ-બનિહાલ-રામબન માર્ગ પર થોડા સમય માટે ભારે વરસાદ થવાની શક્યતા છે.