દહેરાદૂનઃ દહેરાદૂનના સહસ્ત્રધારામાં વાદળ ફાટતાં ભારે વિનાશ વેરાયો છે. અત્યાર સુધી બે લોકો લાપતા થયા છે અને અનેક ઘરો તથા હોટેલોને નુકસાન થયું છે. હવામાનના મારથી ઉત્તરાખંડમાં લોકોનું જીવન ઘણું મુશ્કેલ બની ગયું છે, આવનારા દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દહેરાદૂનના એક મુખ્ય બજારમાં વાદળ ફાટ્યા પછી ઘણો કચરો નીચે વહી ગયો, એક માર્કેટમાં તો સાતથી આઠ દુકાનો સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. આ વાદળ ફાટવાને કારણે આશરે 100 જેટલા લોકો ફસાઈ ગયા હતા જેમને ઘણી મહેનત બાદ સ્થાનિક લોકોએ સુરક્ષિત બહાર કાઢ્યા હતાહવામાન વિભાગનો અંદાજ છે કે મંગળવારે ઉત્તરાખંડથી લઈને હિમાચલ પ્રદેશ સુધી ભારે વરસાદ પડશે, અનેક જિલ્લાઓ માટે તો રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
હિમાચલ પ્રદેશના મંડીમાં જળ પ્રલય
ધર્મપુર: હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ગઈ સાંજથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે. તેની અસરથી એક તરફ કુલુથી આવી રહેલી વ્યાસ નદી ખતરાના નિશાન પર હતી તો બીજી તરફ વરસાદને કારણે સ્થાનિક નદીઓ અને નાળાઓમાં છલકાયા હતા. ધર્મપુર બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું હતું. એ દરમિયાન ઘણી બસો પણ ડૂબી ગઈ. પાણીના તેજ પ્રવાહમાં અનેક વાહનો પણ વહી ગયાં છે અને ડઝનો દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.
ધર્મપુરમાં ચારેય તરફ પાણી જ પાણી જોવા મળે છે. જ્યા જુઓ ત્યાં વિનાશનાં દ્રશ્યો સ્પષ્ટ નજરે પડે છે. દુકાનો, બસો ડૂબેલી દેખાઈ રહી છે. પાણી ઘટ્યા પછી બસો કચરામાં ફેરવાઈ ગયેલી દેખાઈ છએ, જ્યારે દુકાનોની હાલત પણ ખરાબ દેખાઈ રહી છે। લોકો આ વિનાશના વિડિયો સોશિયલ મિડિયામાં પણ શેર કરી રહ્યા છે અને ઈશ્વર પાસે જલદી બધું સારું થઈ જાય એવી પ્રાર્થના કરી રહ્યા છે.


