ધો.10 બોર્ડનું પરિણામ જાહેર : રેકોર્ડબ્રેક 82.56% રીઝલ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ શનિવારે જાહેર કરવામાં આવ્યું છે. ધો.10નું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક 82.56 ટકા રિઝલ્ટ આવ્યું છે. જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94 ટકા પરિણામ વધ્યું છે. 1389 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર, 264 શાળાનું 30 ટકા, 70 શાળાનું શૂન્ય પરિણામ, 23247 વિદ્યાર્થીઓએ A1, 78893 વિદ્યાર્થીને A2 ગ્રેડ ઉપરાંત 21,869 વિદ્યાર્થીઓ એક વિષયમાં નાપાસ જાહેર થયા છે.

ધોરણ 10ના બોર્ડના રિઝલ્ટની વાત કરીએ તો આ વખતે પરિણામ 82.56% આવ્યું છે. આ વખતે કુલ 699598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમનું પરિણામ 82.56% આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર – દાલોદ (જિલ્લો અમદાવાદ ગ્રામ્ય) 100%, તલગાજરડા( જિલ્લો ભાવનગર) 100% રહ્યા છે. જ્યારે સૌથી પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર રહ્યો છે જેનું પરિણામ 87.22% આવ્યો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલલો પોરબંદર 74.57% રહ્યો છે. 100% પરિણામ ધરાવતી શાળાઓની વાત કરીએ તો આ વખતે 2023ની તુલનાએ આવી સ્કૂલોની સંખ્યા વધીને 1389ને આંબી ગઈ છે જે 2023માં 272 જ હતી. 0% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા આ વખતે ઘટી છે જે 70ની આજુબાજુ છે.

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ​પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર ભરીને મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ધો. 10ની 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.છેલ્લા પાંચ વર્ષમાં ધો.10ના પરિણામની વાત કરીએ તો,વર્ષ 2019માં 70.24 ટકા,વર્ષ 2020માં 66.07 ટકા,વર્ષ 2021માં માસ પ્રમોશન,વર્ષ 2022માં 63.98 ટકા,વર્ષ 2023માં 64.22 ટકા પરિણામ આવ્યું છે.

વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળા વાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી જાહેર કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફ્તર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઈન કરવાની રહેશે પરિણામો બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઈન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે.