ચીનની ડેમ યોજના સંકટમાં: કરોડો રૂપિયા ડૂબવાની આશંકા

નવી દિલ્હીઃ ચીનની સૌથી મોટી હાઇડ્રોપાવર મહત્ત્વાકાંક્ષા – 167 અબજ ડોલરનો યારલુન્ગ ત્સાંગપો ડેમ પ્રોજેક્ટ હવે હવામાન અને વાતાવરણનો માર સહન કરી રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે હાઇડ્રોઇલેક્ટ્રિસિટી ઉત્પાદન 27.8 ટેરાવોટ-કલાક ઘટ્યું છે, જે થર્મલ (મુખ્યત્વે કોલસા આધારિત) વીજ ઉત્પાદન જેટલું જ છે. ચીને 2020 પછી હાઇડ્રો ક્ષમતા એક-તૃતીયાંશ વધારી છે, પરંતુ ઉત્પાદન માત્ર 11 ટકા જ વધી શક્યું છે. યાંગત્ઝી બેસિન, જે વિશ્વની કુલ હાઇડ્રો વીજળીનું 20 ટકા આપે છે, સતત દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. જુલાઈમાં વરસાદ સામાન્ય કરતાં 25 ટકા ઓછો રહ્યો અને છેલ્લાં છ વર્ષમાંનાં ચાર વર્ષ દુષ્કાળ જેવી સ્થિતિ રહી.

ભારત પર પણ અસર થશે

ચીનના યારલુન્ગ ત્સાંગપો (તિબેટ) પર બનતા ડેમ અને વરસાદની અછત માત્ર ચીન પૂરતી નથી, તેની સીધી અસર ભારત પર પણ થઈ શકે છે.

  1. બ્રહ્મપુત્ર નદી પર દબાણ – યારલુન્ગ ત્સાંગપો જ એ નદી છે, જે ભારતમાં આવીને બ્રહ્મપુત્ર બને છે. જો ચીન મોટા પાયે પાણી રોકે કે વાળે, તો આસામ અને અરુણાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં પાણીનો પ્રવાહ ઘટી શકે છે. દુકાળ સમય દરમિયાન આ રાજ્યોમાં ખેતી, માછીમારી અને હાઇડ્રોપાવર પર મોટી અસર પડશે.
  2. પૂર અને આફતનો ખતરો – જો ચીનના ડેમમાં પાણી ભરાઈ જતાં અચાનક છોડવામાં આવે તો બ્રહ્મપુત્ર ખીણમાં અચાનક પૂર આવી શકે છે. આ ભારત માટે પર્યાવરણીય તેમ જ સુરક્ષા જોખમ બંને બની શકે છે. આસામના પૂર પહેલેથી જ દર વર્ષે લાખો લોકોને અસર કરે છે, ડેમ મેનેજમેન્ટથી આ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

ચીનની હાઇડ્રો નીતિ જૂના હવામાન અનુમાન પર આધારિત હતી. જો આ દુષ્કાળનો સિલસિલો ચાલુ રહ્યો, તો મેગા ડેમ પ્રોજેક્ટ્સનો તર્ક જ નબળો પડી જશે. આવા સંજોગોમાં ચીનને ઉનાળામાં વધતી વીજળીની માગ પૂરી કરવા માટે ફરી કોલસા પર આધાર રાખવો પડી શકે છે. એટલે કે હાઇડ્રોપાવરની નિષ્ફળતા માત્ર ચીન માટે નહીં, પરંતુ આખી દુનિયા માટે કાર્બન ઉત્સર્જનનો પડકાર બની શકે છે.