ધર્મપરિવર્તન પર લગામ કસવાની તૈયારીમાં છત્તીસગઢ સરકાર

રાયપુરઃ છત્તીસગઢ સરકાર ધર્મપરિવર્તન વિરુદ્ધ કડક કાયદો લાવવા તૈયારી કરી રહી છે. ગૃહમંત્રી વિજય શર્માએ મંગળવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આગામી વિધાનસભા સત્રમાં ગેરકાયદે ધર્મપરિવર્તન વિરુદ્ધ વિધેયક લાવશે. તેમણે કહ્યું હતું કે પ્રસ્તાવિત કાયદામાં “ચંગાઈ સભા” (ધર્મપરિવર્તન માટે યોજાતી ધાર્મિક સભાઓ) સામે કાર્યવાહી માટેના જોગવાઈઓ પણ હશે.

આગામી વિધાનસભા સત્રમાં અમે એવો અધિનિયમ લાવીશું, જે રાજ્ય સ્તરના અન્ય બધા ધર્મપરિવર્તનવિરોધી કાયદાઓ કરતાં એક પગલું આગળ હશે, કારણ કે અમે તમામ કાયદાનો અભ્યાસ કર્યા બાદ તેનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. એ સાથે જ ચંગાઈ સભા જેવી પ્રવૃત્તિઓ- જે લોકોમાં ગેરસમજ ફેલાવવા માટે યોજાય છે, તેને રોકવી જરૂરી છે. ચંગાઈ સભા જેવી ઘટનાઓને રોકવા માટે કાયદામાં વિશેષ જોગવાઈની જરૂર છે, જે આ અધિનિયમમાં કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

ધર્મપરિવર્તનના આક્ષેપો મોટો મુદ્દો

હાલમાં આવા કેસો છત્તીસગઢ ધર્મ સ્વતંત્રતા અધિનિયમ, 1968 હેઠળ આવે છે. રાજ્યમાં ધર્મપરિવર્તનના આક્ષેપો લાંબા સમયથી મોટો મુદ્દો રહ્યા છે. આ વર્ષે 25 જુલાઈએ કેરળની બે નનને, નારાયણપુર જિલ્લાના ત્રણ મહિલાઓની કથિત રીતે તસ્કરીના આરોપમાં દુર્ગ રેલવે પોલીસે ધરપકડ કરી હતી, જેને કારણે રાજકીય વિવાદ ઊભો થયો હતો.

રાજ્યના અનેક વિસ્તારોમાં ધર્મપરિવર્તનને લઈને તણાવ

જાન્યુઆરી 2023માં, લગભગ 50 લોકોની ભીડે નારાયણપુર જિલ્લાના એક ચર્ચમાં તોડફોડ કરી અને પોલીસ અધિકારીઓ સહિત પોલીસ સુપરિન્ટેન્ડન્ટ પર હુમલો કર્યો હતો. આ ઘટનાના બાદ ખ્રિસ્તી ધર્મ અપનાવનાર 100થી વધુ લોકોને કાંકેર, કોંડાગાંવ અને નારાયણપુરના ગામોમાંથી સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો અને તેમને નારાયણપુરના એક સ્ટેડિયમમાં રહેવું પડ્યું હતું.

રાયપુર સહિત છત્તીસગઢના અનેક વિસ્તારોમાં ધાર્મિક પરિવર્તનને લઈને દક્ષિણપંથી જૂથો અને ખ્રિસ્તીઓ વચ્ચે વારંવાર અથડામણો થઈ છે. બસ્તર વિસ્તારમાં, ખ્રિસ્તી ધર્મ અપનાવનાર આદિવાસી અને દલિતોને તેમના ગામનાં કબ્રસ્તાનોમાં પોતાના મૃતકોને દફનાવવાની પણ મનાઈ કરવામાં આવી હતી.