ચાંગા: ચારુસેટ યુનિવર્સિટીના વિદ્યાર્થી આયુષ કારીયાને વિશેષ પ્રશંસા ચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે. તેઓ યુનિવર્સિટી સંલગ્ન ડેપસ્ટારના બી.ટેક કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિભાગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત આયુષ NCC કેડેટ અને LCPL. 2 ગુજ સીટીસી એનસીસી વીવીનગર સાથે સંલગ્ન છે. આયુષ કારીયાને દિલ્હીમાં NCC ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ ગુરદીપ પાલ સિંગ દ્વારા સ્પેશિયલ કમેન્ડેશન મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ મેડલ ગુજરાતમાંથી ફક્ત 2 કેડેટને પ્રાપ્ત થયો હતો. રિપબ્લિક ડે કેમ્પમાં ઓવરઓલ સારું પરફોર્મન્સ હોય તેવા કેડેટને આ મેડલ એનાયત થયો હતો.
આ અગાઉ આયુષે દિલ્હીમાં સૌથી પ્રતિષ્ઠિત NCC રિપબ્લિક ડે કેમ્પ 2024માં ભાગ લીધો હતો. ગુજરાતમાંથી પસંદ થયેલા માત્ર 107 NCC કેડેટ્સમાં આયુષનો સમાવેશ થયો હતો. આ સિદ્ધિ 2 ગુજરાત સીટીસી કમાન્ડિંગ ઓફિસર લેફટનન્ટ કર્નલ રાહુલ ભોરસ્કર અને ચારુસેટના પદાધિકારીઓ અને ફેકલ્ટીના સમર્થનથી પ્રાપ્ત થઇ હતી. અભ્યાસક્રમ ઉપરાંત આ પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય, મિત્રતા, શિસ્ત અને બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણ, સાહસની ભાવના અને યુવા નાગરિકોમાં નિઃસ્વાર્થ સેવાના આદર્શો વિકસાવવામાં મદદ મળે છે.
ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલ, ફેકલ્ટિ ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગના ડીન ડો. વિજય ચૌધરી અને કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિભાગના વડા ડો. ચિરાગ પટેલ દ્વારા ચારુસેટ NCC યુનિટને સતત પ્રેરણા અને સમર્થન પ્રાપ્ત થવા બદલ તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.