નવી દિલ્હીઃ વિડિયોકોન સાથે જોડાયેલા લોનના બદલામાં લાંચ લેવાના કેસમાં ICICI બેન્કનાં ભૂતપૂર્વ CEO ચંદા કોચરને દોષિત જાહેર કરવામાં આવી છે. ટ્રિબ્યુનલ કોર્ટે જણાવ્યું છે કે ચંદા કોચરે 300 કરોડની લોનના બદલામાં 64 કરોડ રૂપિયા લાંચ તરીકે લીધા હતા. ટ્રિબ્યુનલના આદેશમાં સ્પષ્ટ લખ્યું છે કે આ ચુકવણી quid pro quoના સ્પષ્ટ દાખલામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો quid pro quoનો અર્થ થાય છે, હું તારું કામ કરું, તું મારું કામ કર.
આ ચુકાદો ત્રીજી જુલાઈએ જારી કરવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર ટ્રિબ્યુનલે ઇન્કમ ટેક્સ વિભાગ (ED)ના કેસને યોગ્ય માનીને કહ્યું હતું કે ચંદા કોચરે તેમના પતિના વ્યાવસાયિક સંબંધો અંગે કોઈ ખુલાસો કર્યો ન હતો. વળી, ICICI બેન્કની આંતરિક નીતિઓનું પણ આ લોન સેક્શનમાં ઉલ્લંઘન થયું હતું.
ટ્રિબ્યુનલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નિમાયેલ Adjudicating Authorityને પણ ઝાટકી છે કે તેમણે ચંદા કોચરની 78 કરોડની મિલકત છોડીને તેમને રાહત કેમ આપી?
કૌભાંડ કેવી રીતે થયું?
ટ્રિબ્યુનલના ચુકાદામાં લખાયું છે કે જે દિવસે ICICI બેન્કે વિડિયોકોનને 300 કરોડની લોન મંજૂર કરી હતી, એના બીજા જ દિવસે વિડિયોકોનની કંપની SEPLએ ચંદા કોચરના પતિ દીપક કોચરની કંપની NuPower Renewables Pvt. Ltd. (NPRL)ને 64 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
ટ્રિબ્યુનલના જણાવ્યા મુજબ દસ્તાવેજોમાં એવું બતાવવામાં આવ્યું છે કે NPRLના હેડ વિડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂત હતા, પરંતુ હકીકતમાં કંપનીનો આખો કંટ્રોલ દીપક કોચરના હાથમાં જ હતો, કારણ કે તેઓ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હતા.
ટ્રિબ્યુનલએ વધુમાં કહ્યું કે ચંદા કોચર લોન સેન્કશનિંગ કમિટીનાં સભ્ય હતાં. તેમણે લોન લેતા પક્ષ એટલે કે વિડિયોકોન સાથે તેમના પતિના વેપારી સંબંધો અંગે કોઈ જાણકારી બેન્કને આપી નહોતી, જે બેન્કના કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ નિયમોનું ઉલ્લંઘન છે.
