છત્તીસગઢ ચૂંટણી : પ્રથમ તબક્કામાં 71.11% મતદાન થયું

છત્તીસગઢની કુલ 90 વિધાનસભા બેઠકોમાંથી 20ના પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું છે. જેમાં બસ્તર વિભાગની 12 અને દુર્ગ વિભાગની 8 બેઠકો પર મતદાન થયું હતું. સાંજે 7.15 વાગ્યા સુધી જારી કરાયેલા આંકડા મુજબ રાજ્યમાં 71.11% મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં જે 20 બેઠકો પર મતદાન થયું હતું ત્યાં 2018માં કુલ 77.23% મતદાન થયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, સાંજે 5 વાગ્યા સુધી સૌથી વધુ મતદાન ખૈરાગઢ-છુઈખાદાન-ગંડાઈ જિલ્લામાં થયું હતું, જ્યાં 76.31% લોકોએ મતદાન કર્યું હતું. બીજાપુર જિલ્લામાં સૌથી ઓછું મતદાન થયું હતું. સાંજે 5 વાગ્યા સુધી અહીં માત્ર 40.98% મતદાન થયું હતું. ચાલો જાણીએ ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે સીટ મુજબ કેટલા ટકા મતદાન થયું.

કયા જિલ્લામાં કેટલું મતદાન?

સૌથી વધુ મતદાન ખૈરાગઢ-છુઈખાદાન-ગંડાઈ જિલ્લામાં થયું હતું. અહીં 76.31% મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બીજાપુર જિલ્લામાં સૌથી ઓછું મતદાન થયું હતું. અહીં માત્ર 40.98 ટકા મતદાન થયું હતું. ઉત્તર-બસ્તર-કાંકેર, રાજનાંદગાંવ, મોહલા માનપુર-અંબાગઢ ચોકી, કોંડાગાંવ જિલ્લામાં 75 ટકાથી વધુ મતદાન થયું હતું. તેમજ બસ્તર-જગદલપુર, કબીરધામમાં 70 ટકાથી વધુ મતદાન થયું હતું.

રાજનાંદગાંવ સીટ પર શું થયું?

રાજનાંદગાંવ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી ડો.રમણ સિંહ ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર સાંજે 5 વાગ્યા સુધી 74.00 ટકા મતદાન થયું હતું. 2018ની વિધાનસભા ચૂંટણીમાં આ સીટ પર 78.87 ટકા મતદાન થયું હતું. એટલે કે ગત વખત કરતાં 4.87 ટકા ઓછું મતદાન થયું હતું.

બસ્તર વિભાગની તમામ 12 બેઠકો હાલમાં કોંગ્રેસ પાસે છે

20 બેઠકોમાં સૌથી મહત્વપૂર્ણ બસ્તર વિભાગની છે, જ્યાંથી કુલ 90 બેઠકોમાંથી 12 બેઠકો આવે છે. આદિવાસી પ્રભુત્વ ધરાવતા બસ્તર વિભાગમાં કુલ સાત જિલ્લાઓ આવે છે. સાત જિલ્લાના વિભાગમાં છત્તીસગઢની 12 વિધાનસભા અને એક લોકસભા બેઠક છે. બસ્તર વિભાગની 12 વિધાનસભા બેઠકોમાંથી, 11 વિધાનસભા બેઠકો અનુસૂચિત જનજાતિ (ST) માટે છે અને એક બેઠક સામાન્ય છે. આમાં, બસ્તર, કાંકેર, ચિત્રકોટ, દંતેવાડા, બીજાપુર, કોન્ટા, કેશકલ, કોંડાગાંવ, નારાયણપુર, અંતાગઢ, ભાનુપ્રતાપપુરની બેઠકો એસટી માટે અનામત છે. જ્યારે જગદલપુર વિધાનસભા બેઠક સામાન્ય છે. હાલમાં કોંગ્રેસ પાસે 12 વિધાનસભા બેઠકો છે.