મેડિકલ શિક્ષણ કૌભાંડમાં CBI દ્વારા અનેક લોકોની ધરપકડ

નવી દિલ્હીઃ દેશમાં મેડિકલ શિક્ષણના ક્ષેત્રમાં એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે, જેને CBI દેશના સૌથી મોટા મેડિકલ શિક્ષણ કૌભાંડોમાંનું એક ગણાવ્યું છે. CBIએ આ મામલે 35 લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે, જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આઠ અધિકારીઓ, નેશનલ મેડિકલ કમિશન (NMC)ના પાંચ ડોક્ટરો અને ઘણી ખાનગી મેડિકલ કોલેજોના પ્રતિનિધિઓ સામેલ છે. આ કૌભાંડમાની જાળ ઘણાં રાજ્યો સુધી ફેલાયેલી છે અને મેડિકલ કોલેજોને મંજૂરી આપવી, નિરીક્ષણ કરવું અને માન્યતા આપવાની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર તથા ગેરવહીવટના ગંભીર આરોપો લાગ્યા છે.

CBIની તપાસ મુજબ આ કૌભાંડનું કેન્દ્ર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય છે, જ્યાંથી ગુપ્ત માહિતી લીક કરવામાં આવી રહી હતી. આ માહિતી ખાનગી મેડિકલ કોલેજોને પૂરી પાડવામાં આવતી હતી, જેથી તેઓ NMCના નિરીક્ષણમાં ગેરરીતિ કરી શકે. આ રેકેટમાં સામેલ લોકો નિરીક્ષણની તારીખ અને નિરીક્ષકોનાં નામ જેવી સંવેદનશીલ માહિતી મોટા પૈસાને બદલે બહાર લીક કરતા હતા, જેથી કોલેજો નકલી  વ્યવસ્થા કરીને નિરીક્ષણ પાસ કરી લેતા હતા.

CBIની FIR મુજબ રાવતપુરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચના ચેરમેન રવિશંકર મહારાજ જેને રાવતપુરા સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે નિરીક્ષણની માહિતી અગાઉથી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે તેમના ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર અતુલકુમાર તિવારીએ ગીતાંજલિ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર મયૂર રાવલનો સંપર્ક કર્યો હતો. રાવલે રૂ. 25 થી 30 લાખની માગણી કરી અને નિરીક્ષણની તારીખ તેમ જ નિરીક્ષકોનાં નામ આપી દીધાં. ત્યાર બાદ રવિશંકરે ભૂતપૂર્વ UGC ચેરમેન અને હાલના TISSના ચાન્સલર ડી.પી. સિંહનો સંપર્ક કર્યો હતો જેથી અનુકૂળ નિરીક્ષણ રિપોર્ટ મળી શકે. ડી.પી. સિંહે આ કાર્ય પોતાના સહયોગી સુરેશને સોંપ્યું.

CBIએ તાજેતરમાં આ મામલે આઠ લોકોની ધરપકડ કરી છે, જેમાં NMCના ત્રણ ડોક્ટરો સામેલ છે. તેમના પર આરોપ છે કે તેમણે રૂ. 55 લાખની લાંચ લઈને રાવતપુરા ઇન્સ્ટિટ્યૂટ માટે અનુકૂળ નિરીક્ષણ રિપોર્ટ તૈયાર કર્યો હતો. તપાસમાં ખૂલ્યું છે કે આરોગ્ય મંત્રાલયના પૂજા મીના, ધર્મવીર, પિયૂષ માલ્યાંણ, અનુપ જૈસવાલ, રાહુલ શ્રીવાસ્તવ, દીપક, મનિષા અને ચંદનકુમાર નામના આઠ અધિકારીઓ ગુપ્ત ફાઈલોના ફોટા લઈ અને વરિષ્ઠ અધિકારીઓની નોટ્સ બહાર પહોંચાડી રેકેટ ચલાવી રહ્યા હતા. આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.