સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ માનવ તસ્કરી સંબંધિત આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ ભારતીયોને વિદેશમાં નોકરી અપાવવાની આડમાં રશિયા-યુક્રેન યુદ્ધના ક્ષેત્રમાં લઈ જતી હતી. કેન્દ્રીય એજન્સીના અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. એજન્સીએ સાત શહેરોમાં 10થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે એજન્સીએ અનેક વિઝા કન્સલ્ટન્સી ફર્મ્સ અને એજન્ટો સામે FIR દાખલ કરી છે. સર્ચ દરમિયાન ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે અને 50 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
દરોડા પાડવામાં આવ્યા
અહેવાલ મુજબ સીબીઆઈએ દિલ્હી, તિરુવનંતપુરમ, મુંબઈ, અંબાલા, ચંદીગઢ, મદુરાઈ અને ચેન્નાઈમાં દરોડા પાડ્યા છે. હૈદરાબાદના 30 વર્ષીય મોહમ્મદ અફસાન યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં માર્યા ગયાના એક દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. અફસાનને હેલ્પર તરીકે કામ કરવા વિદેશ લઈ જવામાં આવ્યો, ત્યારબાદ તેને યુદ્ધમાં ધકેલી દેવામાં આવ્યો. લગભગ એક અઠવાડિયા પહેલા ગુજરાતના સુરતના હેમિલ માંગુકિયા નામના વ્યક્તિનું પણ યુદ્ધમાં મોત થયું હતું.
હેલ્પર તરીકે વિદેશ મોકલવામાં આવ્યો હતો
મળતી માહિતી મુજબ અફસાનની જેમ તેલંગાણા અને ભારતના અન્ય સ્થળોના ઘણા યુવાનોને એજન્ટો દ્વારા રશિયામાં ઊંચા પગાર પર નોકરીના વચન સાથે વિદેશ મોકલવામાં આવ્યા હતા. એજન્ટે તેમની પાસેથી વ્યક્તિદીઠ રૂ. 3.5 લાખ પણ વસૂલ્યા હતા. બાદમાં તેને યુક્રેન યુદ્ધમાં લડવા માટે મોકલવામાં આવ્યો હતો.
વિદેશ મંત્રાલયે આ પહેલ કરી
જણાવી દઈએ કે વિદેશ મંત્રાલયે પણ આ લોકોની વહેલી મુક્તિ સુનિશ્ચિત કરવા માટે રશિયન સત્તાવાળાઓ સાથે મામલો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે લગભગ 20 ભારતીયો હજુ પણ રશિયામાં ફસાયેલા છે અને સરકાર તેમને પરત લાવવાના પ્રયાસો કરી રહી છે.