અઝીમ પ્રેમજી ભારતના સૌથી મોટા દાનવીર

બેંગલુરુઃ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની વિપ્રોના સંસ્થાપક અઝીમ પ્રેમજીએ દિવસ દીઠ રૂ. 22 કરોડ અથવા વર્ષમાં રૂ. 7,904 કરોડ દાનમાં આપ્યા હતા અને એ રીતે તેઓ વર્ષ 2020માં દેશમાં સૌથી મોટા દાનવીર તરીકે ઉભરી આવ્યા છે.

દાનવીરો માટે હુરૂન રિપોર્ટ ઈન્ડિયા અને એડલગિવ ફાઉન્ડેશને તૈયાર કરેલી યાદી-2020માં અઝીમ પ્રેમજી પહેલા નંબર પર છે. એમણે આ સિદ્ધિ હાંસલ કરવામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના મુકેશ અંબાણીને પણ પાછળ રાખી દીધા છે. ભારતના સૌથી શ્રીમંત મુકેશભાઈ આ યાદીમાં ત્રીજા નંબર પર છે. એમની કરતાં પ્રેમજીએ 17 ગણું વધારે દાન કર્યું છે. યાદીમાં બીજા નંબર પર છે એચસીએલ ટેક્નોલોજીસના સંસ્થાપક ચેરમેન શિવ નાદર અને એમનો પરિવાર.

નાદર અને એમના પરિવારે ધર્માર્થ કાર્યો માટે 795 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે જ્યારે અંબાણી તથા એમના પરિવારે 458 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. ચોથા નંબર પર આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમારમંગલમ બિરલા છે જ્યારે પાંચમા સ્થાને વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ છે. આ યાદીમાં મુંબઈ 36 દાનવીરોના નામ સાથે મોખરે છે. તે પછી દિલ્હી, બેંગલુરુ આવે છે.