નીતિશકુમાર સાતમીવાર બનશે બિહારના મુખ્યપ્રધાન

પટનાઃ એક્ઝિટ પોલને ખોટા સાબિત કરતાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએએ જીતની પતાકા લહેરાવી છે. એનડીએ ગઠબંધને 125 સીટો પર જીત હાંસલ કરી છે. હવે નીતીશકુમાર સાતમી વાર બિહારના મુખ્ય પ્રધાનપદનો કાર્યભાર સંભાળશે. નીતીશકુમાર બિહારના 37મા મુખ્ય પ્રધાનના રૂપે શપથ લેશે. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જેડીયુની ઓછી સીટો આવશે તો પણ તેમના નેતા નીતીશકુમાર જ હશે. ભાજપને 74 અને જેડીયુને 43 સીટો પર જીત મળી છે.

નીતીશકુમાર ક્યારે-ક્યારે બિહારના મુખ્ય પ્રધાન બન્યા?

બિહારના રાજકારણમાં પોતાની એક અલગ છબિ બનાવનાર નીતીશકુમાર સાતમી વાર રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. નીતીશકુમાર સૌથી પહેલાં ત્રીજી માર્ચ, 2000માં મુખ્ય પ્રધાન બન્યા હતા, પણ ત્યારે બહુમત ના હોવાને કારણે સાત દિવસ પછી તેમની સરકાર પડી ગઈ હતી. એ પછી નીતીશકુમાર 24 નવેમ્બર, 2005 બીજી વાર મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હતા. ત્યાર બાદ 26 નવેમ્બર, 2010એ ત્રીજી વાર બિહારના શપથ બન્યા. ત્યાર પછી 22 ફેબ્રુઆરી, 2015એ ચોથી વાર બિહારના મુખ્ય પ્રધાન બન્યા. આરજેડી સાથે ગઠબંધન કર્યા પછી 20 નવેમ્બર, 2015એ પાંચમી વાત મુખ્ય પ્રધાન બન્યા. એ પછી આરજેડી સાથે સંબંધ તોડીને ભાજપની સાથે ગઠબંધન કર્યા પછી 27 જુલાઈ, 2017એ છઠ્ઠી વાર મુખ્ય પ્રધાન બન્યા.

નીતીશકુમાર બિહાર ચૂંટણીમાં કેટલીય સભાઓમાં એ ઘોષણા કરી ચૂક્યા છે કે આ તેમની અંતિમ ચૂંટણી હશે. નીતીશકુમારને લાલુ યાદવના પુત્ર તેજસ્વીથી કાંટાની ટક્કર મળી હતી. હવે વિધાનસભ્યોની બેઠકમાં મુખ્ય પ્રધાનપદ માટે નીતીશકુમારના નામ પર મહોર લાગશે, જેના પછી તેમનો શપથગ્રહણ થશે.