2000ની નોટનું છાપકામ બંધઃ શું હોઇ શકે છે એના સંકેત?

નવી દિલ્હી: નોટબંધી પછી ચલણમાં અસ્તિત્વમાં આવેલી રૂ.2000 ની નોટનું હવે રિઝર્વ બેંકે છાપકામ (પ્રિન્ટિંગ) બંધ કરી દીધું છે. માહિતી મેળવવાના અધિકાર હેઠળ પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં રિઝર્વ બેંકે જણાવ્યું કે, આ નાણાકીય વર્ષમાં 2000 રૂપિયાની એક પણ નવી નોટ છાપવામાં આવી નથી. જોકે, આરબીઆઈએ આની પાછળનું કારણ જણાવ્યું નથી પરંતુ જાણકારોનું કહેવું છે કે, હાઈ વેલ્યૂ કરન્સીને બંધ કરવા પાછળ બ્લેક મની, ભ્રષ્ટાચાર અને નકલી નોટ મોટા કારણ છે.

સરકારે 2016માં 500 અને 1000 રૂપિયાની જૂની નોટને બંધ કરી દીધી હતી ત્યારબાદ આરબીઆઈ પહેલા 2000ની નોટ બેંકિંગ સિસ્ટમ સુધી પહોંચાડી હતી. ત્યારબાદ 500 રૂપિયાની નવી નોટ ચલણમાં મુકી હતી. સરકાર તરફથી 2000 રૂપિયાની નોટને બંધ કરવાના નિર્ણયનો રિપોર્ટ અગાઉ પણ આવ્યો હતો, પણ કેન્દ્ર અને આરબીઆઈએ એ સમયે આ વાતને નકારી કાઢી હતી.  નાણામંત્રાલયમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેયર્સના તત્કાલીન સેક્રેટરી સુભાષ ચંદ્ર ગર્ગે આ વર્ષની શરુઆતમાં ટ્વીટ કર્યું હતું, ‘ચલણી નોટની છાપણીની યોજના અનુમાનિત જરૂરીયાત અનુસાર બનાવવામાં આવી છે. અમારી પાસે સિસ્ટમમાં 2000 રૂપિયાની પર્યાપ્ત નોટ છે. સર્કુલેશનમાં વેલ્યૂના દ્રષ્ટિએ 35 ટકાથી વધારે 2000 રૂપિયાની નોટ છે. 2000 રૂપિયાની નોટને લઈને હાલમાં કોઈ જ નિર્ણય નથી લેવાયો.

વધુ વેલ્યુની નોટના કારણે બ્લેક મની વધે છે સાથે ભ્રષ્ટાચારને પણ પ્રોત્સાહન મળે છે. બ્લેકમની રાખવાવાળા વધુ વેલ્યુની નોટને પોતાની પાસે જમા કરી રાખે છે. આ સાથે જ નકલી નોટની સમસ્યાના નિવારણ માટે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા હાલમાં જ કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનથી નકલી 2000ની નોટ ખૂબ મોટા પાયે ભારતીય માર્કેટમાં ઘુસાડવામાં આવી રહી છે. આ નોટની ઓળખ કરવી પણ સરળ નથી.

આવકવેરા વિભાગ દ્વારા પાડવામાં આવેલ દરોડામાં પણ મોટાભાગની નોટ 2000 રૂપિયાની જ મળી છે. જેથી એવા સંકેત મળે છે કે, ટેક્સ ચોરી અને નાણાકીય અપરાધોમાં સામેલ લોકો 2000 રૂપિયાની નોટને વધુ પસંદ કરે છે.

નોટબંધી પછી 2000ની નોટ ચલણમાં લાવવા સામે વિપક્ષી દળોએ વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે, આના કારણે લોકો માટે બ્લેકમની રાખવી સરળ બની જશે. એ સમયે કોટક મહિન્દ્રા બેંકના પ્રમોટર ઉદય કોટકે પણ 1000 રૂપિયાની નોટની બદલે 2000 રૂપિયાની નોટ ચલણમાં મુકવાના સરકારના પગલા સામે સવાલો ઉઠાવ્યા હતાં.

 2000 રૂપિયાની નોટનું છાપકામ બંધ કરવાથી અમુક અંશે બ્લેકમની સામે લડવામાં મદદ મળશે. જેના કારણે બ્લેક મની રાખતા લોકો પાસે નોટો જમા કરવી મુશ્કેલ બનશે. સરકાર માટે મોટી સમસ્યા નકલી કરન્સીની છે 2000ની નોટ બંધ થવાથી નકલી નોટનો વેપાર કરતા લોકો માટે પણ સમસ્યા વધી જશે. કેમ કે નાની વેલ્યુની નકલી નોટ બનાવવામાં ખર્ચો વધારે આવે છે અને પકડાઈ જવાનો ભય પણ વધુ રહે છે. સરકાર દેશમાં ડિજિટલ ટ્રાન્જેક્શન વધારવા પર ભાર મૂકી રહી છે, જોકે, આમા અત્યાર સુધી જોઈએ એટલી સફળતા મળી નથી. હાઈ વેલ્યૂ કરન્સી ઉપલબ્ધ ન હોવાથી લોકો ચૂકવણી માટે ડિજિટલ માધ્યમનો ઉપયોગ વધારી શકે છે.