જથ્થાબંધ મોંઘવારી દર આઠ મહિનાની ઊંચાઈએ

નવી દિલ્હીઃ મોંઘવારી મોરચે જાન્યુઆરીના જથ્થાબંધ ફુગાવાનો દર સરકારને ચિંતિત કરનારો છે. જાન્યુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર 3.1 ટકા આવ્યો છે, જે આઠ મહિનામાં સૌથી વધુ છે. ડિસેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર 2.59 ટકા હતો. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ડુંગળી અને બટાટા જેવા શાકભાજીની કિંમતો વધવાથી મોંઘવારીમાં વધારો થયો છે.  જાન્યુઆરી, 2019માં જથ્થાબંધ મોંઘવારીનો દર 2.76 ટકા હતો. વેપાર અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આંકડા મુજબ બિન ખાદ્યપદાર્થોની કિંમતો ડિસેમ્બરના 2.32 ટકાથી આશેર ત્રણ ગણી વધીને 7.8 ટકા થઈ હતી. આ સમયગાળામાં ડુંગળીની કિંમતો 293 ટકા વધી હતી, જ્યારે બટાટાની કિંમતોમાં 37.34 ટકા વધી હતી.ડુંગળી-બટાટાની કિંમતો આસમાને

વર્ષ 2020ના જાન્યુઆરીમાં બટાટા અને ડુંગળીની જથ્થાબંધ કિંમતોમાં મોટો વધારો થયો હતો. પાછલા મહિને બટાટાની જથ્થાબંધ કિંમતોમાં 87.84 ટકાનો વધારો થયો હતો, જ્યારે ડુંગળીની કિંમતોમાં 293.37 ટકાનો વધારો થયો હતો. પાછલા મહિને ફ્યુઅલ અને પાવર ક્ષેત્રની કિંમતોમાં 3.42 ટકાનો વધારો થયો હતો.

રિટેલ મોંઘવારી છ મહિનાની ટોચે

આ સપ્તાહના પ્રારંભે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત ફુગાવાનો દર જાન્યુઆરીમાં છ મહિનાના મહત્તમ 7.59 ટકાની નજીક પહોંચ્યો હતો. શાકભાજી અને ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓમાં વધારાને કારણે રિટેલ ફુગાવાનો દર વધ્યો હતો. મે, 2014 પછી રિટેલ ફુગાવાનો દર આટલો ઊંચો નોંધાયો હતો. ત્યારે એ 8.33ના સ્તરે હતો.