નવી દિલ્હીઃ તમારા આધાર કાર્ડ નંબરથી તમારું બેન્ક ખાતું હેક થવાનું કેટલું જોખમ છે? સરકારી એજન્સી UIDAI દ્વારા છેતરપીંડી વિશે સતર્ક રહેવા માટે આ વાત જણાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડ આપણા મોબાઈલ ફોન નંબરથી લઈને આપણા બેન્ક એકાઉન્ટ સાથે લિન્ક થયેલો હોય છે. આવામાં આધાર કાર્ડ નંબર મારફત આપણા બેન્ક ખાતામાંથી પૈસાની ચોરી થવાનો ખતરો રહે છે. આ બાબતમાં યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ને એક ટ્વિટર યૂઝરે સવાલ પૂછ્યો હતો. યૂઝર એ વિશે ચિંતિત છે કે શું આધાર કાર્ડની વિગત મારફત કોઈ તેના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા કાઢી શકે છે?
તેના જવાબમાં UIDAI સંસ્થાએ લોકોને આ જાણકારી આપી છેઃ તેનું કહેવું છે કે આ રીતે છેતરપીંડી થવી અશક્ય છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આધાર નંબરની જાણકારી મેળવીને કોઈ બેન્કમાંથી પૈસા કાઢી શકતું નથી તેથી એવો કોઈ ખતરો નથી. જેમ કે, એટીએમ કાર્ડ નંબર જાણીને કોઈ એટીએમ મશીનમાંથી તમારા ખાતામાંથી પૈસા કાઢી શકતું નથી એવી જ રીતે, આધાર નંબર જાણીને કોઈ પૈસા કાઢી શકતું નથી. UIDAIનું કહેવું છે કે, બેન્કો દ્વારા આપવામાં આવેલા પિન (PIN)/ OTP નંબર કોઈ બીજી વ્યક્તિને શેર કરવાથી જ બેન્કમાંથી પૈસા નીકળી જવાનો ડર રહે છે. જો તમે તમારો આધાર નંબર કોઈ પબ્લિક કમ્પ્યુટર કે કેફેમાંથી ડાઉનલોડ કરતા હો તો કામ થઈ ગયા બાદ એને ત્યાં છોડી દેવાની ભૂલ ન કરવી. એવામાં કોઈ પણ વ્યક્તિ તમારા આધાર કાર્ડનો ખોટી રીતે ઉપયોગ કરી શકે છે.