મુંબઈ – શેરબજારમાં આજે ફરી નિરાશા છવાયેલી રહી. યુએસ ડોલર સામે રૂપિયાની નબળાઈ યથાવત્ રહેતાં, ક્રૂડ તેલની વધતી જતી કિંમતને કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ચોતરફ વેચવાલી રહી. એને કારણે તેનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ 551 પોઈન્ટ તૂટીને ત્રણ મહિનામાં સૌથી નીચા સ્તરે – 35,975.63 પોઈન્ટનો બંધ રહ્યો.
જંગી વેચવાલીને કારણે રાષ્ટ્રીય સ્તરના સૂચકાંક નિફ્ટીએ પણ 150 પોઈન્ટ ગુમાવ્યા છે. ડોલર સામે રૂપિયો વધુ 43 પૈસા તૂટીને 73.34ના રેકોર્ડ સ્તરે ઉતરી ગયો છે.
ઈન્ટ્રા-ડે સોદાઓમાં તો સેન્સેક્સે 590 પોઈન્ટનું ગોથું ખાધું હતું. આખરે તે 36,000ના લેવલથી નીચે જઈ 1.51 ટકા જેટલો તૂટીને 35.975.63નો બંધ રહ્યો હતો.
નિફ્ટી 1.36 ટકા તૂટીને 10.858.25 પોઈન્ટનો બંધ રહ્યો હતો.
આજે શેરબજારના ધોવાણને કારણે ઈન્વેસ્ટરોએ એક જ દિવસમાં 1.72 લાખ કરોડની સંપત્તિનું નુકસાન ભોગવ્યું છે.
માર્કેટના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ક્રૂડ તેલના ઊંચા ભાવ, રૂપિયામાં નબળાઈ અને નેગેટિવ ગ્લોબલ સંકેતોને કારણે જોખમ ઉઠાવવાનો ઈન્વેસ્ટરોનો જુસ્સો તૂટી ગયો છે.
નિફ્ટી પર મેટલને બાદ કરતાં બાકીના તમામ ઈન્ડેક્સ નબળાઈ સાથે બંધ રહ્યા હતા. સોદાઓ વખતે આઈટી, ઓટો શેરોને સૌથી વધુ માર પડ્યો. મેટલમાં 1.7 ટકાની તેજી જોવા મળી.
આજે યસ બેન્કના શેરમાં 10 ટકા સુધી તેજી રહી. તો મહિન્દ્ર એન્ડ મહિન્દ્રમાં 7 ટકા ધોવાણ થયું.
સોમવારે, બીએસઈ લિસ્ટેડ કંપનીઓનો માર્કેટ શેર 145.43 લાખ કરોડ હતો, જે ઘટીને 143.71 લાખ કરોડ થઈ ગયો છે.