ખુશખબરઃ આ વર્ષે નહીં પડે દુકાળ, 100 ટકા પડશે વરસાદ…

નવી દિલ્હીઃ કૃષિક્ષેત્ર સંલગ્ન ખેડૂતો માટે સરસ સમાચાર આવી રહ્યાં છે. હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટ એજન્સીના હવાલે જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 100 ટકા વરસાદની આગાહી આ સાથે કરવામાં આવી છે. સાથે સામાન્યથી 20 ટકા વધુ વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે.

96થી 104 ટકા વરસાદનું અનુમાન

આ વર્ષે દુકાળની સંભાવના નકારવામાં આવી છે. પૂરી સીઝનમાં 96થી 104 ટકા વરસાદ પડશે. તેમ જ વર્તારા કરતાં પણ વધુ 20 ટકા જેટલો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો વરસાદ ઓછો પડશે તો પણ 20 ટકા ઓછો વરસાદ પડવાની સંભાવના જતાવાઇ છે.

અનુમાન પ્રમાણે ઉત્તર ભારતના હિમાલયન વિસ્તારોમાં 100 ટકાથી વધુ વરસાદની સંભાવનાઓ છે. જ્યારે તળમેદાનના દિલ્હી સહિતના વિસ્તારોમાં 100 ટકા વરસાદ રહેશે. મધ્ય ભારતની વાત કરીએ તો એમપી અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પશ્ચિમ મધ્ય ભારતના ગુજરાતના પૂર્વ વિસ્તારોમાં સામાન્ય એટલે કે 100 ટકા વરસાદ પડશે. જ્યારે દક્ષિણી વિસ્તારોમાં ચોમાસુ સામાન્યથી થોડું ઓછું રહેવાની સંભાવના જતાવાઇ છે.

જૂનથી સપ્ટેમ્બરમાં રહેશે આ LPA

અનુમાન પ્રમાણે જૂનમાં લોન્ગ પીરિયદ એવરેજ-એલપીએ 111 ટકા રહી શકે છે. તેમ જ આ સમયમાં 164 એમએમ વરસાદ પડી શકે છે. આ માસમાં 60 ટકા શક્યતા છે કે સામાન્યથી વધુ વરસાદ પડે.

જુલાઇમાં એલપીએ 97 ટકા અને 289 એમએમ વરસાદની શક્યતા છે. જ્યારે 55 ટકા શક્યતા છે કે વરસાદ સામાન્ય રહેશે.

ઓગસ્ટ માસમાં એલપીએ 96 ટકા રહેશે અને 261 એમએમ વરસાદની સંભાવના છે, જ્યારે 35 ટકા સંભાવના છે કે સામાન્યથી ઓછો વરસાદ પડે.

સપ્ટેમ્બરમાં વરસાદના અનુમાન લગાવતાં જણાવાયું છે કે એલપીએ આ માસ દરમિયાન 101 ટકા રહેશે અને 173 એમએમ વરસાદની સંભાવના છે. આ માસમાં 20 ટકા જ સંભાવના એવી છે કે સામાન્યથી ઓછો વરસાદ પડે.