મુંબઈઃ દૂરસંચાર કંપની વોડાફોન આઈડિયાની મુસીબત વધી ગઈ છે, કારણ કે ત્રીજા ક્વાર્ટરમાં એની ખોટનો આંકડો વધીને રૂ. 7,990 કરોડ પર પહોંચી ગયો છે. સમીક્ષકોના અંદાજ કરતાંય આ આંકડો વધારે છે. દ્વિતીય ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 7,596 કરોડની ખોટ નોંધાવી હતી અને ગયા વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 7,231 કરોડની ખોટ કરી હતી. ડિસેમ્બર ક્વાર્ટરની આખરમાં કંપની પરનું કુલ દેવું રૂ. 2.2 લાખ કરોડ હતું.
બીજી બાજુ, વર્ષાનુવર્ષ ધોરણે કંપનીની આવક વધી છે. વોડાફોન આઈડિયા કંપની માટે સકારાત્મક બાજુ એ છે કે, એના 4G ગ્રાહકોની સંખ્યા વધવાનું ચાલુ રહ્યું છે. ત્રીજા ક્વાર્ટરમાં તેના 4G ગ્રાહકોની સંખ્યામાં 10 લાખનો વધારો થયો હતો. આ સાથે તેના કુલ ગ્રાહકોની સંખ્યા 12 કરોડ 16 લાખ થઈ છે. કુલ ધારકોમાં 4G ગ્રાહકોનો હિસ્સો 53 ટકા છે, જે ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં 51 ટકા હતો.