નવી દિલ્હીઃ પાપડ એટલે ગુજરાતી ભોજનનો મહત્ત્વનો હિસ્સો. દાળ-ભાત કે ખીચડી-કઢી સાથે પાપડ ખાવાની મજા કંઈ ઓર જ હોય છે. પાપડ શેકેલા પણ હોય અને તળેલા પણ હોય. આ પાપડ સાથે કેટલાક લોકોએ અન-ફ્રાઈડ ફ્રાયમ્સને જોડી દીધા છે જેથી ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)માં રાહત મળે. પરંતુ, ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ્સ એજન્સીએ ઠરાવ્યું છે કે ફ્રાયમ્સ તળેલા હોતા નથી અને પેકેજ્ડ ફૂડમાં ગણાય છે તેથી એને પાપડ જેવી કરરાહત આપી શકાય નહીં.
એજન્સીએ પીટિશનને નકારી કાઢતા કહ્યું છે કે અચોક્કસ કદના પેકેજ્ડ નાસ્તા/ખાદ્યપદાર્થ ફ્રાયમ્સ વિશે સંસદસભ્યોએ કોઈ સ્પષ્ટ પરિભાષા જણાવી નથી તેથી એને પાપડ સાથે સરખાવી શકાય નહીં. તેથી એની પર 18 ટકા જીએસટી ચાલુ જ રહેશે. પાપડ પર કોઈ જીએસટી લગાડાયો નથી. અન-ફ્રાઈડ પેકેજ્ડ ફૂડ ફ્રાયમ્સને નમકીન અથવા ફરસાણ તરીકે ગણવામાં આવે છે અને પાપડ તરીકે નહીં. તેથી એને પરંપરાગત ખાદ્યપદાર્થ પાપડ સાથે સરખાવી શકાય નહીં, પરિણામે એની પર 18 ટકા જીએસટી લાગશે.