ઉદય કોટકનું કોટક મહિન્દ્રા બેન્કના MD, CEOપદેથી રાજીનામું

નવી દિલ્હીઃ ઉદય કોટકે ખાનગી બેન્ક કોટક મહિન્દ્રા બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને CEO પદથી તત્કાળ અસરથી રાજીનામું આપ્યું છે. કોટકે નિવૃત્તિના આશરે ચાર મહિના પહેલાં બેન્કના MD અને CEOપદેથી રાજીનામું આપ્યું છે, એમ બેન્કે સ્ટોક એક્સચેન્જને આ બાબતની માહિતી આપી હતી. કોટકને 31 ડિસેમ્બર, 2023એ પોતાના પદથી નિવૃત્ત થવાનું હતું.

 તેમણે બેન્કના બોર્ડને એક પત્ર લખીને કહ્યું હતું કે મારી પાસે થોડા મહિના છે, પરંતુ હું તત્કાળ અસરથી રાજીનામું આપી રહ્યો છું. મેં છેલ્લા કેટલાક સમયથી આ નિર્ણય વિશે વિચાર કર્યો હતો અને મારું માનવું છે કે આ કોઈ પણ સંસ્થા માટે યોગ્ય વાત છે.

કોટકે કરી પ્રારંભથી બેન્કની આગેવાની

ઉદય કોટકની આગેવાની 1985માં એક NBFCના રૂપે કોટક મહિન્દ્રા બેન્કનો પ્રારંભ થયો હતો. વર્ષ 2003માં એક સંપૂર્ણ કોમર્શિયલ બેન્ક બની હતી. તેઓ પ્રારંભથી આ બેન્કની આગેવાની કરતા હતા.

કોટક બેન્કે માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ એક્સ પર લખ્યું છે કે બહુ વર્ષ પહેલાં મેં જોયું હતું કે જેપી મોર્ગન અને ગોલ્ડમેન સાક્શ જેવાં નામોનો નાણાકીય જગતમાં દબદબો હતો અને મેં ભારતમાં એવી સંસ્થા સ્થાપવાનું સપનું જોયું હતું. આ સપનાની સાથે આજે 38 વર્ષ પહેલાં ત્રણ કર્મચારીઓ સાથે બેન્કની શરૂઆત કરી હતી.

અમે બેન્કના સ્ટેહોલ્ડર્સ માટે વેલ્યુ ક્રિયેટ કરી છે અને એક લાખથી વધુ રોજગારીનું સર્જન કર્યું છે. વર્ષ 1985માં કોટક મહિન્દ્રામાં કરવામાં આવેલા રૂ. 10,000ના મૂડીરોકાણનું મૂલ્ય હાલના સમયે આશરે રૂ. 300 કરોડ હશે.