ટામેટાં ફરી એક વાર ‘લાલ’ઘૂમ: કિલોદીઠ રૂ. 259એ પહોંચ્યા

નવી દિલ્હીઃ ટામેટાંની કિંમતો ફરી એક વાર વધી ગઈ છે. દિલ્હીમાં ટામેટાંની કિંમતો ફરી એક વાર આકાશને આંબી રહી છે. મધર ડેરીએ પોતાની સફલ દુકાનો પર ટામેટાં પ્રતિ કિલો રૂ. 259એ વેચ્ચા છે. ટામેટાંના મુખ્ય ઉત્પાદક ક્ષેત્રોમાં ભારે વરસાદને કારણે સપ્લાય ચેઇન ખોરવાવાને કારણે એની કિંમતો એક મહિનાથી વધુ સમયથી વધેલી છે. કેન્દ્ર સરકારે સ્થિતિને જોતાં 14 જુલાઈથી રાહત દરે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું છે. જેથી દિલ્હીમાં એની કિંમતો ઓછી થવા લાગી હતી, પણ ઓછા પુરવઠો પૂરો પડવાને કારણે ને માગ વધુ હોવાથી કિંમતોમાં ફરી એક વાર વધારો થયો છે.

ઉપભોક્તા મામલાના મંત્રાલયના આંકડા અનુસાર બુધવારે ટામેટાંની રિટેલ કિંમત કિલોદીઠ રૂ. 203એ પહોંચી છે, જ્યારે મધર ડેરીની સફળ રિટેલ દુકાનોમાં એની કિંમતો પ્રતિ કિલો રૂ. 259એ પહોંચી છે.  ડેરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હવામાન ખરાબ થવાને કારણે છેલ્લા બે મહિનામાં દેશમાં ટામેટાંની પુરવઠા સાંકળ ખોરવાઈ છે. છેલ્લા બે દિવસોમાં આઝાદપુર મંડીમાં ટામેટાંની આવક ઘણી ઓછી થઈ છે. ઓછા પુરવઠાને કારણે જથ્થાબંધ કિંમતો ઝડપથી વધી છે, જેની અસર રિટેલ કિંમતો પર પણ પડી છે.

એશિયાની સૌથી મોટી ફળ અને શાકભાજીની મંડી આઝાદપુરમાં ટામેટાંની જથ્થાબંધ કિંમતો ગુણવત્તાને આધારે પ્રતિ કિલોગ્રામ રૂ. 170-200એ પહોંચી છે. આઝાદપુર ટામેટાં એસોસિયેશનના અધ્યક્ષ અશોક કૌશિકે કહ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં ટામેટાંની આવકમાં ઘટાડો થયો છે.