મુંબઈઃ ધંધા અને રોજગાર સંબંધિત અમેરિકાની ઓનલાઈન સર્વિસ પ્રોવાઈડર કંપની લિન્ક્ડઈન દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણમાં એવું માલુમ પડ્યું છે કે ભારતમાં લોકો ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH) પદ્ધતિથી હવે કંટાળી ગયા છે. કોરોનાવાઈરસ મહામારી ફેલાતાં સરકાર દ્વારા લાગુ કરાયેલા નિયંત્રણોને કારણે છેલ્લા દોઢ વર્ષથી અનેક ભારતવાસીઓને પોતપોતાનું કામ ઓફિસોમાં જવાને બદલે એમનાં ઘેરથી જ કરવું પડે છે. સર્વેમાં માલુમ પડ્યું છે કે 72 ટકા ભારતીયોએ એવું મંતવ્ય વ્યક્ત કર્યું છે કે તેઓ હવે ઘેરથી કામ કરીને કંટાળી ગયાં છે અને ઓફિસોમાં પાછાં ફરવા માગે છે. આ લોકોનું કહેવું છે કે ઓફિસના રોજિંદા જીવનમાં થોડીક મસ્તીભરી ક્ષણોની મજા કંઈક ઓર જ હોય છે, જે એમને ઘરમાં મળી શકતી નથી.
71 ટકા લોકોએ એમ કહ્યું કે ઘેરથી કામ કરવાથી એમની નિષ્ઠા વિશે એમના માલિકો અને વરિષ્ઠો પરવધારે સાનુકૂળ છાપ ઊભી થઈ શકી છે. સર્વેમાં ભાગ લેનારાઓમાંથી 55 ટકા લોકોએ એમ કહ્યું કે ઓફિસમાં સહયોગીઓ સાથે મળીને કામ કરવાથી એકબીજાંને ઘણું નવું શીખવા મળે છે, જે એમને વ્યાવસાયિક રીતે લાભદાયક બને છે અને કારકિર્દીમાં આગળ વધવામાં મદદરૂપ થાય છે. આ બધું ઘેરથી કામ કર્યે રાખવાથી મળતું નથી. લિન્ક્ડઈન દ્વારા ભારતમાં જુદી જુદી કંપનીઓમાં કામ કરતાં 1000 જેટલા કર્મચારીઓને સર્વેમાં સામેલ કર્યાં હતાં.