અમદાવાદઃ નવા નાણાકીય વર્ષના પ્રારંભે શેરબજારોમાં નરમાઈ પ્રવર્તતી હતી. દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થવાને પગલે સ્થાનિક બજારોમાં રોકાણકારોએ ભારે વેચવાલી કરી હતી. જેથી સેન્સેક્સ ચાર ટકાથી વધુ તૂટ્યો હતો અને નિફ્ટી 8,300ની નીચે સરક્યો હતો. બજારમાં આવેલા ઘટાડાને લીધે રોકાણકારોને રૂ. 2.68 લાખ કરોડનું નુકસાન થયું હતું. દેશમાં લોકડાઉનને પગલે આર્થિક કામકાજ ઠપ હોવાને લીધે અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર પડશે.
સ્થાનિક શેરબજારોમાં સેશનને અંતે સેન્સેક્સ 1,203 પોઇન્ટ તૂટીને 28,265ના સ્તરે બંધ રહ્યો હતો અને નિફ્ટી ઇન્ડેક્સ 334 પોઇન્ટ તૂટીને 8,300ની નીચે સરકીને 8,264ના મથાળે બંધ રહ્યો હતો. બજારમાં સાર્વત્રિક વેચવાલી થઈ હતી. બેન્ક, ફાઇનાન્સ, આઇટી અને મેટલ સેક્ટરમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. મિડકેપ શેરોમાં પણ વેચવાલીનું દબાણ હતું.
કોરોનાએ ચિંતા વધારી
દેશમાં કોરોના વાઇરસના કેસમાં ઝડપથી વધારો થયો હતો. છેલ્લા એક દિવસમાં કોરોનાના કેસમાં 386નો વધારો થયો હતો. દેશમાં કોરોનાના કેસ વધીને 1600ને પાર થયા હતા, જ્યારે વિશ્વમાં કોરોનાના કેસ ધીને આઠ લાખ થયા હતા.
વિદેશી રોકાણકારોની વેચવાલી
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ સ્થાનિક ડેટ અને શેરબજારમાં રૂ. 1.12 લાખ કરોડની વેચવાલી કરી હતી. વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી સતત તેમનું રોકાણ પાછું ખેંચી રહ્યા છે. જેથી બજાર પર દવેચવાલીનું દબાણ વધ્યું હતું.
ઓટો શેરોમાં ભારે વેચવાલી
ઓટો કંપનીઓનાં વેચાણ ઘટ્યાં છે. દેશભરમાં શોરૂમ બંધ છે, ત્યારે માર્ચ ત્રિમાસિકમાં મારુતિ સુઝુકીનું વેચાણ 43 ટકા ઘટ્યું હતું. જ્યારે અશોક લેલેન્ડનું વેચાણ 90 ટકા ઘટી ગયું હતું. આની અસર ઓસો શેરો પર પ્રતિકૂળ અસર પડી હતી.
ડિફોલ્ટરનો ડર
આગામી મહિને આશરે રૂ. 60,000 કરોડ નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD)ની ચુકવણી થવાની છે. કેટલીક કંપની પાસે રોકડની અછત છે. જો લોકડાઉનની સ્થિતિ ચાલુ રહી તો નાદારીના કિસ્સામાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. કેટલીક મોટી કંપનીઓએ રાહત માગી છે.
વૈશ્વિક બજારોમાં નરમાઈ
વૈશ્વિક બજારોમાંમ પણ નરમાઈ પ્રવર્તતી હતી. અમેરિકી અને યરોપિયન બજારોમાં પણ ઘટાડો જોવી મળ્યો હતો. એશિયન બજારો પણ નરમ હતા. આ ઉપરાંત રામ નવમી નિમિત્તે આવતી કાલે ભારતીય બજારો બંધ રહેશે.