આ લોકડાઉને ઓટો કંપનીઓના ધંધામાં પંચર પાડયું છે

નવી દિલ્હીઃ દેશની ઓટોમોબાઇલ કંપનીઓ ઇતિહાસના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. પાછલા વર્ષે માર્ચમાં ઓટો કંપનીઓ પર લોકડાઉનની ઘેરી અસર થઈ હતી. દેશની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકીની કારોના વેચાણમાં 47 ટકાનો ઘટાડો થયો હતો તો તાતા મોટર્સના વેચાણમાં 84 ટકાનો ઘટાડો નોંધાયો છે. આઇશરનાં કોમર્શિયલ વાહનોના વેચાણમાં 83 ટકા, અશોક લેલેન્ડની ટ્રકો અને બસોનાં વેચાણમાં 90 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. અન્ય કંપનીઓના ડેટા હજી આવવાના બાકી છે, પણ એ આશાસ્પદ નહીં હોય. દેશમાં લોકડાઉન એપ્રિલની મધ્ય સુધી ખતમ પણ થાય તો પણ કારોનાં વેચાણમાં ઝડપ આવવાની સંભાવના નથી. કોરોના વાઇરસને કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે. એને કારણે પાછલા કેટલાક સમયમાં લોન્ચ કરવામાં આવેલી કારોના વેચાણ પણ ઠપ થયાં છે. જોકે આગામી ત્રણ-ચાર મહિના દરમ્યાન થનારી કમસે કમ છ કારોના ભવિષ્ય પર પણ સવાલ ઊભા થયા છે.  

લોકડાઉનને લીધે કારોની ડિલિવરી નહીં

હ્યુન્ડાઇ દ્વારા લોન્ચ કરવામાં આવેલી નવી ક્રેટાએ બજારમાં જબરદસ્ત આકર્ષ જમાવ્યું હતું અનમે લોન્ચિંગ પહેલાં એનું 14,000થી વધુનું બુકિંગ થયાં હતાં, પણ લોકડાઉનને કારણે ના તો ડીલરોને સપ્લાય થાય છે અને ના તો ગ્રાહકોને ડિલિવરી મળી રહી છે. કંપનીએ 23 માર્ચ, 2020થી આગામી આદેશ સુધી ફેક્ટરી બંધ કરી દીધી છે. આવી જ સ્થિતિ હોન્ડાની છે.

નવી કારો માર્કેટમાં ઉતારી, પણ

મારુતિ સુઝુકીએ સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ સેડાન ડિઝાયરને નવા અવતારમાં ઉતારી, પણ લોકડાઉનને કારણે એનું વેચાણ શરૂ ના થઈ શક્યું. કંપનીએ જણાવ્યું હતું કે માર્ચમાં કુલ વેચાણ 47 ટકા ઘટ્યું છે, જ્યારે નાણાકીય વર્ષ 2019-20માં વેચાણ 16.1 ટકા ઘટ્યું છે. કંપનીનું વર્ષ દરમ્યાન કુલ 18,62,449 કારોનું વેચાણ થયું હતું.

વેપારી વાહનોના વેચાણમાં પણ ઘટાડો 

તાતા મોટર્સ સતત નવાં મોડલ બજારમાં ઉતારીને એની હાજરી મજબૂત કરી રહી હતી, પણ કોરોનાને લીધે થયેલા લોકડાઉનને પગલે માર્ચમાં કંપનીનું વેચાણ પાછલા વર્ષની તુલનાએ 84 ટકા ઘટી ગયું છે. જો પાછલા નાણાકીય વર્ષમાં કંપનીનાં વાહનોનું વેચાણ 35 ટકા ઘટી ગયું હતું. ટ્રક અને બસ બનાવવાવાળી બે કંપનીઓ આઇશર અને અશોક લેલેન્ડના ડેટા બહુ નિરાશાજનક છે. બંને કોમર્શિયલ વાહનોનાં વેચાણ અનુક્રમે 83 ટકા અને 90 ટકા ઘટી ગયાં છે. આ ઉપરાંત લોકડાઉનને લીધે આવનારા મહિનાઓમાં પણ ઓટો કંપનીઓના ઉત્પાદન અને વેચાણ સુસ્ત રહેવાની ધારણા છે. કોમર્શિયલ વાહનોના વેચાણ પણ વધુ ઘટી શકે છે.