કોરોના સામે લડવા વિપ્રો, અઝીમ પ્રેમજીનો રૂ. 1,125 કરોડની મદદનો સંકલ્પ

બેંગલુરુઃ વિપ્રો લિમિટેડ, વિપ્રો એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન સંસ્થાએ જણાવ્યું છે કે કોરોના વાઈરસ (કોવિડ-19) રોગચાળાને કારણે ઊભી થયેલી અભૂતપૂર્વ આરોગ્ય અને માનવીય કટોકટીનો સામનો કરવા માટે તેઓ સાથે મળીને રૂ. 1,125 કરોડ ફાળવવા માટે પ્રતિબદ્ધ છે.

એક સંયુક્ત નિવેદનમાં આ ત્રણેય તરફથી જણાવવામાં આવ્યું છે કે આ ભંડોળ રોગચાળા સામેની લડાઈમાં આગળ પડતા રહેલા તબીબો અને સેવાકર્મીઓને મદદરૂપ થશે.

આ રૂ. 1,125 કરોડમાં વિપ્રો લિમિટેડનો હિસ્સો રૂ. 100 કરોડનો હશે. વિપ્રો એન્ટરપ્રાઈઝીસ લિમિટેડના રૂ. 25 કરોડ હશે અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના રૂ. 1000 કરોડ હશે.

એ તો સૌ જાણે છે કે વિપ્રો ગ્રુપના સ્થાપક અઝીમ પ્રેમજી મોટા સખાવતી છે. આ અબજોપતિએ અગાઉ પણ મુશ્કેલીના સમયમાં મોટી રકમનું દાન કર્યું છે.

એમની કંપનીએ જણાવ્યું છે કે આ બધી રકમ વિપ્રોની વાર્ષિક સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) પ્રવૃત્તિઓ તેમજ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન સામાન્ય રીતે સખાવતની પ્રવૃત્તિઓ માટે જે રકમ ખર્ચે છે એની ઉપરાંતની છે.

ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીએ જીવલેણ કોરોના વાઈરસ સામેના જંગ માટે રૂ. 500 કરોડની આર્થિક સહાયતાનો સંકલ્પ જાહેર કર્યો હતો. તે ઉપરાંત કંપનીએ જણાવ્યું હતું કે પોતે આ રોગચાળા સામે લડવા માટે મહારાષ્ટ્ર અને ગુજરાતની સરકારોને રૂ. પાંચ-પાંચ કરોડની સહાયતા કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]