રિઝર્વ બેન્ક વ્યાજદરો યથાવત્ રાખે એવી શક્યતા

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કની ધિરાણ નીતિની સમિતિની ત્રણ દિવસ સુધી ચાલનારી બેઠકનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 2023-24ની બીજી દ્વિમાસિક બેઠક છે. આ બેઠક આઠ જૂન સુધી ચાલશે. RBI ગવર્નર શક્તિકાંત દાસ MPCના નિર્ણયોની માહિતી આઠ જૂને આપશે.

વિશ્લેષકોનું માનવું છે કે શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી RBI MPC દ્વારા રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય એવી અપેક્ષા નથી. હાલના સમયે RBIના મુખ્ય બેન્ચમાર્ક દર 6.5 ટકા છે. દેશમાં રિટેલ મોંઘવારી દરમાં આવી રહેલી નરમાઈની વચ્ચે વ્યાજદર યથાવત્ રહેવાની ધારણા છે.રિટેલ મોંઘવારીનો દર એપ્રિલમાં 4.7 ટકા રહ્યો હતો, જે RBIના લક્ષ્યાંક અનુસાર છે. સરકારે RBIને રિટેલ મોંઘવારીનો દર 2-6 ટકાની વચ્ચે સીમિત રાખવા માટે નિર્દેશ આપ્યા છે. RBIએ મે, 2022થી માંડીને ફેબ્રુઆરી, 2023ની વચ્ચે રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો હતો.અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે RBI આગામી કેટલાક સમય સુધી રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રુપ ચીફ ઇકોનોમિક એડવાઇઝર સૌમ્ય કાંતિ ઘોષને એ આશા છે કે RBI રેપો રેટમાં  ફેરફાર નહીં કરે અને લાંબા સમય સુધી વ્યાજદરોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરે. આ સિવાય ઘોષનું માનવું છે કે મધ્યસ્થ બેન્ક મોંઘવારી દરથી જોડાયેલા અંદાજોમાં ઘટાડો કરી શકે છે, જ્યારે GDP ગ્રોથથી જોડાયેલા અંદાજોને અપગ્રેડ પણ કરી શકે છે.