રાંધણગેસ સિલિન્ડરની કિંમત પ્રતિ સપ્તાહે નક્કી થશે

નવી દિલ્હીઃ આવનારા સમયમાં સામાન્ય વ્યક્તિને દર સપ્તાહે રાંધણગેસના સિલિન્ડરના ભાવમાં ફેરફારનો સામનો કરવો પડશે. આમ તો આ કિંમતો માસિક ધોરણે નક્કી કરવામાં આવે છે, પરંતુ ઓઇલ કપનીઓ પેટ્રોલિયમ પેદાશોની દૈનિક ધોરણે પેટ્રોલ-ડીઝલની કિંમત નક્કી કરે છે, એવી રીતે કંપનીઓ હવે સાપ્તાહિક ધોરણે રાંધણગેસ સિલિન્ડરોની કિંમતોમાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. કંપનીઓનું કહેવું છે કે આમ કરવાથી કંપની અને ગ્રાહક-બંનેને લાભ છે.

વૈશ્વિક ક્રૂડની કિંમતોમાં ફેરફારને લીધે પેટ્રોલિયમ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો પ્રતિદિન નક્કી કરે છે. જોકે રાંધણગેસ સિલિન્ડરની કિંમત માસિક ધોરણે નક્કી કરવામાં આવતી હોવાથી કંપનીઓએ આખા મહિના માટે નુકસાન ભોગવવું પડે છે. આ કંપનીઓ લાંબા સમયથી કિંમતોમાં ફેરફાર કરવાની પદ્ધતિ પર વિચારણા કરી રહી છે.પેટ્રોલ અને ડીઝલની કિંમતોને પ્રતિ દિન સવારે છ કલાકે અપડેટ કરવામાં આવે છે. એ જ રીતે રાંધણગેસ સિલિન્ડરના નવી કિંમતો સવારે છ કલાકથી અમલમાં આવશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ટેક્સ ઉમેર્યા પછી કિંમતો બમણી થાય છે. જોકે રાંધણગેસ સિલિન્ડરની કિંમતોમાં સાપ્તાહિક ફેરફારની દરખાસ્તને આગામી નાણાકીય વર્ષથી અમલમાં મૂકવામાં આવે એવી વકી છે. સરકાર દ્વારા લીલી ઝંડી મળ્યા પછી કંપનીઓ રાંધણગેસ સિલિન્ડરોની કિંમતોમાં ફેરફાર કરવાનું શરૂ કરશે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]