વાપીઃ ગુજરાતના વાપી અને માસત (દાદરા અને નગરહવેલી)માં આવેલા ઈમામી લિમિટેડ કંપનીના બે પ્લાન્ટમાં ઝંડુ બ્રાન્ડ નામ હેઠળ ઉત્પાદિત વિવિધ હેલ્થકેર ઉત્પાદનોને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તરફથી WHO-GMP (ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ)નું ગુણવત્તાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ત્રણ વર્ષની વેલિડિટી (કાયદેસરતા) સાથે 40થી પણ વધુ આયુર્વેદિક ઉત્પાદનો બનાવવા માટે ઈમામી ગ્રુપને WHO-GMP અને સર્ટિફિકેટ ઓફ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ (CoPP) આપવામાં આવ્યું છે.
ભારતમાં આયુર્વેદિક ઉત્પાદનો બનાવતા 9,000 જેટલા પ્લાન્ટ-યુનિટ્સ છે, પણ ક્વાલિટી બેન્ચમાર્કિંગ એવું WHO-GMP જૂજ કંપનીઓએ મેળવ્યું છે. ઝંડુ બ્રાન્ડ હેઠળ 11 ઉત્પાદનો માટે 2017ની સાલમાં CoPP સાથે WHO-GMP મેળવનાર અને કોલકાતામાં હેડક્વાર્ટર ધરાવતી ઈમામીએ હવે 2020માં ઝંડુ બ્રાન્ડ હેઠળ જ 40થી વધારે ઉત્પાદનો માટે તેમજ બે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ માટે પણ WHO-GMP હાંસલ કર્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ, વિશ્વમાં 80 ટકા લોકો એમના આરોગ્યની સંભાળ માટે પરંપરાગત દવાઓ લેવાનું વધારે પસંદ કરે છે.