ઇસ્લામાબાદઃ ઇન્ટરબેન્ક માર્કેટમાં પાકિસ્તાની રૂપિયા (PKR)એ અમેરિકી ડોલર સામે નવું તળિયું બનાવ્યું છે. PKR ડોલર સામે ગઈ કાલે રૂ. 232.93ની સપાટીએ પહોંચ્યો હતો. PKR ડોલર સામે રૂ. 229.88થી રૂ. 3.05 રૂપિયા વધ્યો હતો, એમ સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન (SBP)નો ડેટા કહે છે. પાકિસ્તાનમાં રાજકીય અરાજકતાને પગલે પાકિસ્તાની રૂપિયો ડોલર સામે સતત ઘસાતો જાય છે, એમ વિશ્લેષકોએ કહ્યું હતું.
નાણાકીય માર્કેટમાં પાકિસ્તાની રૂપિયા ચાલુ વર્ષે 30 ટકા તૂટ્યો છે. ડોલરની અછત, રાજકીય અને અર્થતંત્રની ખસ્તા હાલત અને મિત્ર દેશોના વેપારી સંબંધોમાં અસ્પષ્ટતાને કારણે PKR ડોલર સામે ઘસાતો જાય છે, એમ આરિફ હબિબ લિ.ના રિસર્ચના વડા તાહિર અબ્બાસે જણાવ્યું હતું. પાકિસ્તાનને IMF પાસેથી આર્થિક ભંડોળના હપતાની તાતી જરૂર છે, કેમ કે દેશનું વિદેશી ભંડોળ 10 અબજ ડોલરથી નીચે છે અને દેશમાં ફુગાવો 10 વર્ષની ઊંચાઈએ પહોંચ્યો છે, એમ તેમણે જિયો ન્યૂઝને કહ્યું હતું.
વૈશ્વિક કરન્સી માર્કેટમાં મોટા ભાગની કરન્સી સામે ડોલર મજબૂત થઈ રહ્યો છે, જેમાં PKR પણ બાકાત નથી, એમ આલ્ફા બીટા કોરના CEO શહેઝાદે કહ્યું હતું. વળી, પાકિસ્તાનના એક્સટર્નલ એકાઉન્ટનું હજી સમાધાન નથી થયું અને આયાત પણ ધીમી પડી છે.
વૈશ્વિક રેટિંગ એજન્સીઓ પાકિસ્તાનના અર્થતંત્ર માટે નેગેટિવ આઉટલુક દર્શાવે છે. જેથી નાણાકીય માર્કેટ પર વધારાનું દબાણ ફોરેક્સ માર્કેટ પર ઊભું થયું છે. વળી, રાજકીય અનિશ્ચિતતાને કારણે બજારનું સેન્ટિમેન્ટ ને રૂપિયાનું ડેપ્રિસિયેશન ચાલુ રહ્યું છે, એમ કેપિટલ માર્કેટના નિષ્ણાત મોહમ્મદ સાદ અલીએ જણાવ્યું હતું.