GST ભરનારાની સંખ્યા વધીને 1 કરોડ પહોંચવાની તૈયારીમાં છે

નવી દિલ્હી– ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી) ભરનારાની સંખ્યા વધીને 1 કરોડ સુધી પહોંચવા જઈ રહી છે. તેની સાથે જુલાઈમાં જીએસટીની શરૂઆતના સમયથી ટેક્સ ભરનારાની સંખ્યામાં 25 ટકાનો વધારો થયો છે. સરકારી અધિકારીના કહેવા પ્રમાણે એક-બે દિવસમાં જ ટેક્સ ભરનારાની સંખ્યા 1 કરોડ થઈ જશે. સરકાર ક્રિસમસ સુધીમાં કરદાતાની સંખ્યા 99 લાખ સુધી જીએસટીમાં રજિસ્ટર કરાવવામાં સફળ રહી છે. તેમાં 16.6 લાખ એન્ટિટિઝ કંપોઝિશન ડીલર્સ છે, જેમાં ડીટેઈલ ઈનવૉઈસ આપ્યા વગર ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવાની છૂટ છે.જ્યારે જીએસટી લાગુ થયો ત્યારે અંદાજે 80 લાખ કરદાતા હતા. તેમાંથી કેટલાક લોકોએ વિવિધ ટેક્સ પેમેન્ટ માટે રજિસ્ટ્રેશન કર્યું હતું. એટલે કે એક કંપની વેટ, એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. એટલા માટે ટેક્સની વાસ્તિવક જાળ નાની હતી. પણ સુત્રોના કહેવા પ્રમાણે જૂનની આસપાસ કદદાતાની સંખ્યા ઘટી શકે છે. જ્યારે રજિસ્ટ્રેશનને એક વર્ષ પુરુ થઈ જાય પછી કેટલાક એન્ટિટિઝ બહાર નિકળી જશે. કોમર્શિયલ પ્રોપર્ટીને ભાડે આપનારા લોકોએ ખુબ મોટી સંખ્યામાં જીએસટીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પણ હવે આ સીસ્ટમમાંથી તેઓ બહાર નિકળી જશે, તેવી ધારણા રખાઈ રહી છે.

હવે કરદાતાની સંખ્યા વધી છે, પણ મોટી સંખ્યામાં રજિસ્ટર્ડ થયેલ કરદાતાઓ પોતાની ઉપર કોઈ જવાબદારી દર્શાવીને ઝીરો ટેક્સ બતાવી રહી છે. 40 ટકા રિટર્નમાં ટેક્સ આપવાની રકમ શુન્ય દર્શાવાઈ છે. કેટલીક હજાર કંપનીઓ ટેક્સ જમા કરાવે છે. લેટ પેમેન્ટ અને રિટર્ન ફાઈલિંગમાં અન્ય છૂટ હોવાથી સરકારની સમસ્યા વધી રહી છે. સોમવારે અંદાજે 6 લાખ રિટર્ન ફાઈલ થયા હતા. જ્યારે મંગળવારે તેની સંખ્યા 1 લાખ વધી ગઈ હતી. કેમ કે બુધવારે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ હતી.