BSEમાં માર્કેટ કેપ પાંચ લાખ કરોડ ડોલરની સપાટી વટાવી ગયું

મુંબઈઃ લોકસભા ચૂંટણી અને મતદાનના મિશ્ર વાતાવરણ વચ્ચે દેશનાં શેરબજારોમાં ચાલી રહેલી તેજીને પગલે BSE (બોમ્બે સ્ટોક એકસચેંજ)માં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન મંગળવારે સૌપ્રથમ વાર પાંચ લાખ કરોડ ડોલરની સપાટી વટાવી ગયું હતું. રૂપિયાની દ્રષ્ટિએ તે રૂ. 414.46 લાખ કરોડની સપાટીએ પહોંચ્યું હતું. આમ વર્ષના પ્રારંભથી અત્યાર સુધીમાં માર્કેટ કેપિટલાઇઝેશનમાં 633 અબજ ડોલરથી અધિકનો વધારો થયો છે.

BSEનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ તેના ઓલ ટાઇમ હાઈથી 1.66 ટકા નીચો હોવા છતાં BSE મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડાયસિસમાં થયેલી વૃદ્ધિને પગલે સર્વોચ્ચ માર્કેટ કેપિટલાઇઝેશનનો આ રેકોર્ડ સર્જાયો હતો.

નવેમ્બર, 2023માં BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 4 લાખ કરોડ ડોલરની સપાટીએ પહોંચ્યું હતું અને માત્ર છ મહિનામાં એક લાખ કરોડ ડોલર વધીને પાંચ લાખ કરોડ ડોલરની સપાટીએ પહોંચ્યું હતું. આ પૂર્વે BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન મે, 2007માં એક લાખ કરોડ ડોલર થયું હતું અને જુલાઈ, 2017 સુધીમાં બમણું અને એ પછી મે, 2021માં ત્રણ લાખ કરોડ ડોલરનું થયું હતું.

માત્ર ચાર એકસચેંજની સિદ્ધિ

અત્યારે વિશ્વમાં પાંચ લાખ કરોડ ડોલરથી અધિકનું માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતાં માત્ર ચાર સ્ટોક માર્કેટ છે, જેમાં અમેરિકા, ચીન, જપાન અને હોંગકોંગનો સમાવેશ થાય છે. અમેરિકાના બજારનું માર્કેટ કેપ 55.65 લાખ કરોડ ડોલર, ચીનની બજારનું 9.4 લાખ કરોડ ડોલરનું માર્કેટ કેપિટલાઇઝેશન છે. એ પછીના ક્રમે જપાન (6.42 લાખ કરોડ ડોલર) અને હોંગકોંગ (5.47 લાખ કરોડ ડોલર) આવે છે. બ્લુમબર્ગના અહેવાલ પ્રમાણે 2024માં ભારતના બજારનું માર્કેટ કેપ આશરે 12 ટકા વધ્યું છે, જ્યારે અમેરિકાનું 10 ટકા, હોંગકોંગનું 16 ટકા વધ્યું છે. ચીનના માર્કેટ કેપમાં 1.4 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે જપાનના માર્કેટ કેપિટલાઇઝેશનમાં ત્રણ ટકાનો વધારો થયો છે.