આવકવેરા વિભાગ 8000 લોકો સામે કેસ કરવા નોટિસ મોકલાવશે

મુંબઈ– ગ્રોથમાં ઘટાડા વચ્ચે ટેક્સ અધિકારીઓને ઊંચા રેવન્યૂના ટાર્ગેટ અપાયા છે, આ રેવન્યૂ ટાર્ગેટને પહોંચી વળવા આવકવેરા વિભાગ તરફથી કેસની નોટિસની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. અત્યાર સુધી કેસની નોટિસ માત્ર કોઈએ જાણી જોઈને ટેક્સ ન ચુકવ્યો હોય તેવા લોકોની સામે કેસ કરવા માટે નોટિસ આપવામાં આવતી હતી. પણ આ વખતે ટેક્સ રીટર્ન ફાઈલ ન કરનાર અને વેપારીઓએ કે ધંધાદારીઓએ કોઈ કારણસર ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ એટલે કે ટીડીએસ ઓછો અથવા તો મોડો જમા કરાવ્યો હોય તો પણ તેમની સામે કેસ કરવાની નોટિસોની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

અંદાજે 8000 લોકોની યાદી તૈયાર કરાઈ છે, કે જેમણે ટેક્સ રીટર્ન ફાઈલ નથી કર્યા, આ પગલું વધારે આકરુ છે. આવા તમામ લોકોની સામે કેસ કરવાની નોટિસ મોકલાઈ છે. આ નોટિસ એવી કંપનીઓને પણ મોકલાઈ છે કે જેમણે કર્મચારીઓ પાસેથી ટીડીએસ કાપ્યો હોય પણ આવકવેરા વિભાગને જમા ન કરાવ્યો હોય.

જાણકારી મળ્યા મુજબ એવા કેટલીક નાની કંપનીઓને કેસ કરવાની નોટિસ મળી છે. જેમણે સમયસર ટીડીએસ ન ભર્યો હોય, પણ પાછળથી વ્યાજ સાથે તેમણે ટેક્સ ભરી દીધો હતો. મોટાભાગના ટેક્સ ભરાનારને નોટિસ મળતાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો છે.