ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સમાચાર પાછળ સેન્સેક્સ 205 પોઈન્ટ વધ્યો

અમદાવાદ– શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સમાચાર પાછળ માર્કેટ ખુલતાની સાથે જ તેજીવાળા ખેલાડીઓની નવી લેવાલી આવી હતી. અને મંદીવાળા ઓપરેટરોને વેચાણો કાપવાની ફરજ પડી હતી. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 205.49(0.62 ટકા) ઉછળી 33,455.79 બંધ રહ્યો હતો, તેમજ નિફટી ઈન્ડેક્સ 56.60(0.55 ટકા) વધી 10,322.25 બંધ થયો હતો.એશિયાઈ સ્ટોક માર્કેટ પ્લસ હતા, જેની પાછળ ભારતીય શેરોના ભાવ ઊંચા ખુલ્યા હતા. તેમજ સવારથી હેવીવેઈટ એસબીઆઈ, ટીસીએસ, આઈટીસી, મારૂતિ, એચડીએફસી, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેંકમાં નવી લેવાલી ચાલુ રહી હતી. અને ત્રીજા દિવસે તેજી આગળ વધી હતી. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકોની ચૂંટણી પુરી થઈ છે. મતદાતાઓ મન કળવા દીધું નથી. સર્વે મુજબ ભાજપને બહુમતી મળશે, પણ સર્વે ખોટા પડી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસને વધુ બેઠકો મળે તેવા એંધાણ છે. બીજા તબક્કામાં મહેસાણા, વિજાપુર, પંચમહાલ અને બનાસકાંઠાના પાટીદારો કોંગ્રેસ તરફ વળે તેવી શકયતા છે. આમ ભાજપને નુકશાન થઈ રહ્યું છે.

ગુજરાત વિધાનસભા અને હિમાચલ વિધાનસભાની ચૂંટણીના પરિણામો 18 ડિસેમ્બરને સોમવારે જાહેર થશે, જે અગાઉ શેરબજારમાં સાવચેતીનો માહોલ છે. નવી લેવાલી આવે છે ખરી… પણ ઊંચા મથાળે સેલીંગ પ્રેશર પણ આવી જાય છે. જેથી આજે ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી નફારૂપી વેચવાલી આવી હતી, અને શેરોના ભાવ વધ્યા મથાળેથી પાછા પડ્યા હતા.

  • શુક્રવારે એફઆઈઆઈએ સ્ટોક માર્કેટમાં 675 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું.
  • શુક્રવારે સ્થાનિક નાણા સંસ્થાઓ રૂપિયા 1243 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
  • આજે તેજી બજારમાં ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં પ્રોફિટ બુકિંગથી સામાન્ય નરમાઈ રહી હતી.
  • તે સિવાય તમામ સેકટરના શેરોમાં નવી ખરીદીથી તેજી આગળ વધી હતી.
  • રોકડાના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી આવી હતી, બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 61.93 પ્લસ બંધ રહ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 39.89 પ્લસ બંધ રહ્યો હતો.