રોકાણ આઈટી રીટર્નમાં ન દર્શાવ્યું તો ગણાશે બેનામી સંપત્તિ

નવી દિલ્હીઃ  જો કોઈ વ્યક્તિએ બેંકોમાં જમા નાણાં અથવા તો રોકાણ કરેલા નાણાંનો આયકર રીટર્નમાં ઉલ્લેખ નથી કર્યો તો હવે આ સંપત્તિ બેનામી સંપત્તિ માનવામાં આવશે. ઈનકમ ટેક્સ વિભાગે એવા મામલાઓની તપાસ બેનામી સંપત્તિના દ્રષ્ટિકોણથી શરૂ કરી દિધી છે. જો આ સંપત્તિ બેનામી સંપત્તિ જાહેર થશે તો કાયદાનો ગાળીયો કસાશે. અત્યાર સુધી આ પ્રકારના મામલાઓને કરચોરીના મામલાઓ અંતર્ગત લાવીને તપાસ કરવામાં આવતી હતી. નવા કાયદા અંતર્ગત બેનામી સંપત્તિ રાખનારા લોકોને 7 વર્ષની કેદ અને સંપત્તિના 10 ટકા જેટલા ભાગનો દંડ ચૂકવવો પડી શકે છે. અને આ સિવાય જો કોઈ વ્યક્તિ ખોટી માહિતી આપશે તો તેને 5 વર્ષ માટે જેલની સજા ભોગવવી પડશે.

મહત્વનું છે કે નોટબંધી દરમિયાન ઘણા લોકોએ પોતાના અન્ય બેંક ખાતાઓમાંથી મોટી રકમ જમા કરાવી હતી અને બાદમાં તે પૈસાને વિડ્રો કરી લીધા હતા. તો બિલકુલ આવી જ રીતે રોકાણ પણ મોટી માત્રામાં કરવામાં આવ્યું પરંતુ આ લોકોએ આનો ઉલ્લેખ આઈટી રિટર્નમાં ન કર્યો

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા એવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે કે જે લોકોએ બેંકોમાં જમા કરાવેલી રકમ અથવા તો રોકાણનો ઉલ્લેખ પોતાના આઈટી રીટર્નમાં કર્યો નહોતો. આ પ્રકારના કેસમાં કંપનીઓ અને લોકો બંનેનો સમાવેશ થાય છે. આ પ્રકારના લોકોને અત્યારે નોટીસ મોકલવામાં આવી રહી છે. સૌથી પહેલા તો એ વાતનું પ્રમાણ માંગવામાં આવશે કે આ લોકોએ બેંકોમાં જમા કરાવેલા પૈસા અને રોકાણ કરેલા પૈસા તેમના પોતાના છે કે નહી, પ્રમાણ મળતાની સાથે આ પ્રકારના લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.