મુંબઈઃ અમેરિકામાં વ્યાજદરમાં હજી પણ વધારો કરવામાં આવી શકે છે અને મેક્રોઈકોનોમિક સ્થિતિ નબળી છે એવા વાતાવરણમાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. દરમિયાન, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.15 ટકા (52 પોઇન્ટ) વધીને 34,286 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,234 ખૂલ્યા બાદ 34,710ની ઉપલી અને 33,759ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો.
બ્લોકચેઇન ક્ષેત્રને લગતા અગત્યના સમાચાર છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આગામી ક્રિકેટ વિશ્વ કપ માટે બ્લોકચેઇન આધારિત એપ લોન્ચ કરવા માગે છે. બ્લોકચેઇન અને વેબ3 ટેક્નોલોજી વાસ્તવિક જીવનમાં કેટલી ઉપયોગી થાય છે એ દર્શાવવાનો એની પાછળનો ઉદ્દેશ્ય છે.
ઇન્ડેક્સના મોટાભાગના ઘટક કોઇનમાં વધારો થયો હતો. એમાંથી ચેઇનલિંકમાં સૌથી વધુ એટલે કે 4.34 ટકા વૃદ્ધિ થઈ હતી. ઈથેરિયમ, અવાલાંશ, બિટકોઇન અને પોલીગોનમાં પણ વધારો થયો હતો.
બીજી બાજુ, બિટકોઇન ઈટીએફની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન ફ્રેન્કલિન ટેમ્પલ્ટન અને હેશડેક્સની ક્રીપ્ટો ઈટીએફ લોન્ચ કરવા માટેની અરજી વિશે વિચારણા કરી રહ્યું છે. હોંગકોંગના સિક્યોરિટીઝ એન્ડ ફ્યુચર્સ કમિશનના અધિકારીએ જણાવ્યા મુજબ કમિશન અધિકૃત ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સના ટોકનાઇઝેશન માટેની માર્ગદર્શિકા જાહેર કરવાનું છે.