આઇસી15 ઇન્ડેક્સ 821 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં અનેક દિવસની નરમાશ બાદ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. મેક્રોઈકોનોમિક પરિસ્થિતિમાં થયેલા સુધારાને કારણે આ વધારો થયો છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.39 ટકા (821 પોઇન્ટ) વધીને 35,107 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,286 ખૂલ્યા બાદ 35,344ની ઉપલી અને 34,267ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના કોઇનમાંથી ચેઇનલિંકને બાદ કરતાં બધા કોઇન વધ્યા હતા. ટ્રોન, સોલાના, યુનિસ્વોપ અને ઈથેરિયમમાં 3થી 5 ટકાની રેન્જમાં વૃદ્ધિ થઈ હતી.

દરમિયાન, ફ્રાન્સ, સિંગાપોર અને સ્વિટઝરલેન્ડની કેન્દ્રીય બેન્કોએ સરહદ પારના પેમેન્ટ માટે બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સની સાથે મળીને પ્રોજેક્ટ મરિયાનાની સંયુક્ત ચકાસણી કરી છે. બીજી બાજુ, બ્રાઝિલની કેન્દ્રીય બેન્કના ગવર્નરે ક્રીપ્ટો માટે કડક નિયમન લાદવા પર ભાર મૂક્યો છે.

એક અહેવાલ મુજબ આર્જેન્ટિનાના બ્યુનોસ એર્સની સ્થાનિક સરકાર રહેવાસીઓને એમના દસ્તાવેજો ડિજિટલી ઉપલબ્ધ કરાવવા માટે બ્લોકચેઇન આધારિત ડિજિટલ આઇડી આપવાનો પ્રોજેક્ટ શરૂ કરી રહી છે. આ દસ્તાવેજોમાં લગ્ન પ્રમાણપત્ર અને જન્મ પ્રમાણપત્રનો સમાવેશ થાય છે.