માગમાં સુધારો થતાં દેશની નિકાસ $35.2 અબજે પહોંચી  

નવી દિલ્હીઃ જુલાઈમાં પશ્ચિમી બજારોમાં ભારતીય ઉત્પાદનોની માગમાં વધારો થતાં દેશની નિકાસ 47.19 ટકા વધીને 35.17 અબજ ડોલરે પહોંચી છે, જે ભારતીય અર્થતંત્રમાં સુધારાના સંકેતો છે. વળી, જુલાઈમાં કપડાંની આયાત વધીને 46.4 અબજ ડોલરે પહોંચી હતી. જેથી વેપાર ખાધ 11.2 અબજ ડોલર થઈ છે, એમ વેપાર મંત્રાલયના પ્રારંભિક આંકડા કહે છે. જુલાઈમાં સતત પાંચમા મહિને નિકાસ 30 અબજ ડોલરથી ઉપર રહી છે, જ્યારે આ પહેલાં માર્ચમાં 34.5 અબજ ડોલરની નિકાસ થઈ હતી. નાણાં વર્ષ 2022ના પહેલા ત્રિમાસિક ગાળામાં નિકાસ 95 કરોડ ડોલર હતી.

મૂલ્યની દ્રષ્ટિએ નિકાસમાં મહત્તમ વધારો અમેરિકા (6.7 અબજ ડોલર), UAE (2.4 અબજ ડોલર) અને બેલ્જિયમ (826 લાખ ડોલર)માં વધારો થયો હતો, જ્યારે મલેશિયા, ઇરાન અને તાન્ઝાનિયા ખાતેની નિકાસમાં ઘટાડો થયો છે.

જ્યારે આયાતમાં સૌથી વધુ વધારો UAE (3,4 અબજ ડોલર), ઇરાક (2.7 અબજ ડોલર) અને સ્વિટર્ઝલેન્ડ (2.2 અબજ ડોલર) થયો હતો, જ્યારે ફ્રાન્સ, જર્મની અને કઝાકિસ્તાનથી આયાતમાં ઘટાડો થયો હતો.

જુલાઈમાં પેટ્રોલિયમ, એન્જિનિયરિંગ અને રત્ન-આભૂષણો ક્ષેત્રની નિકાસમાં વધારો થયો હતો, જ્યારે ક્રૂડ ઓઇલ, સોનું અને કીમતી પથ્થરો અને વનસ્પતિ તેલ આયાતમાં સામેલ હતાં.

વેપારપ્રધાન પીયૂષ ગોયલે ટ્વીટ કર્યું હતું કે મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ-જુલાઈ 2021માં દેશની નિકાસ 35.17 અબજ ડોલરે પહોંચી હતી, જે જુલાઈ, 2019ની તુલનાએ 34 ટકા વધુ હતી.

સરકારે નાણાકીય વર્ષ 2022માં કપડાંની નિકાસમાં 400 અબજ ડોલરનો લક્ષ્યાંક રાખ્યો હતો અને આવતાં પાંચ વર્ષમાં એક લાખ કરોડ ડોલરની નિકાસનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.