મુંબઈઃ દેશમાં કોર્પોરેટ ટ્રાવેલ સેક્ટરનું કદ 10.6 અબજ ડોલરથી વધીને નાણાકીય વર્ષ 2029-30 સુધી વાર્ષિક 10.1 ટકાના ચક્રવૃદ્ધિદરથી વધીને 20.8 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે, એમ ડેલોઇટનો એક રિપોર્ટ કહે છે. ટેક્નોલોજી સક્ષમ, પર્સનલાઈઝ્ડ અને સસ્ટેનેબલ સોલ્યુશન્સને પગલે તેમાં સતત ઝડપી વૃદ્ધિ જોવા મળશે.
ડેલોઈટે 45થી વધુ ટ્રાવેલ મેનેજર્સના ઇન્ટરવ્યુ અને વિવિધ કદના વિવિધ ઉદ્યોગ ક્ષેત્રના 160 કોર્પોરેટ ટ્રાવેલર્સનો સર્વે કરીને તેને આધારે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ અનુસાર કોર્પોરેટ ટ્રાવેલ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને નવા ઊંચા સ્તર પર આવી ગયું છે. કોર્પોરેટ સેક્ટરમાં કામગીરીની પદ્ધતિઓ બદલાતા અને ટેક્નોલોજિકલ ડિસરપ્શન વધ્યું છે તેવા સંજોગોમાં કોર્પોરેટ ટ્રાવેલમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. હાલમાં આ સેક્ટરનું કદ 10.6 અબજ ડોલર છે, જે વાર્ષિક 10.1 ટકા CAGRથી વધી રહ્યું છે. 2029-30 સુધીમાં તેનું કદ બમણાથી વધુ 20.8 અબજ ડોલર થવાનો અંદાજ છે.
ટ્રાવેલ મેનેજમેન્ટ કંપનીઓએ ન્યુ-એજ ટ્રાવેલર્સની જરૂરિયાતને ધ્યાનમાં લઈને સ્ટ્રેટજીમાં ફેરફાર કર્યો છે. આ કંપનીઓએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ચેટબોટ્સ, વોઈસ આસિસ્ટેડ બુકિંગ સિસ્ટમ્સ અને રિયલ-ટાઈમ ડેટા એનલિટિક્સ, વગેરેના ઉપયોગ દ્વારા વધુ સારી અને વધુ ઝડપી સર્વિસ પૂરી પાડી રહી છે. કંપનીઓ બિઝનેસ ટ્રાવેલર્સના અનુભવોને જાણી-સમજીને તેમની જરૂરિયાત મુજબ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે.
ટોપ-100 લિસ્ટેડ કંપનીઓનું એનાલિસિસ કરતાં માલૂમ પડ્યું હતું કે એક અગ્રણી IT કંપનીએ 2022-23માં કર્મચારીઓના પ્રવાસ પાછળ રૂ. 2600 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો.IT સર્વિસીઝ, BFSI, એન્જિનિયરિંગ, એવિયેશન, ઓઈલ-ગેસ, ફાર્મા, FMCG અને ઓટોમોબાઈલ સેક્ટરની કંપનીઓ કોર્પોરેટ ટ્રાવેલ ખર્ચમાં અગ્રેસર છે. ટોપ-100 લિસ્ટેડ કંપનીઓમાં આટલા સેક્ટરની કંપનીઓએ કુલ ટ્રાવેલ સ્પેન્ડના 86 ટકા ખર્ચ કર્યો હતો, એમ અહેવાલ કહે છે.