BSE સેન્સેક્સ ત્રણ વર્ષમાં 35,000થી વધીને 45,000ની સપાટીએ

મુંબઈઃ સ્થાનિક શેરબજારે ચોથી ડિસેમ્બરે ઇતિહાસ રચ્યો હતો. બીએસઈ સેન્સિટિવ ઇન્ડેક્સે સૌપ્રથમ વાર 45,000ની સપાટીની ઉપર બંધ રહ્યો હતો. વિદેશી ફંડોની લેવાલીએ લીધે બીએસઈ સેન્સેક્સ અને એનએસઈનો નિફ્ટી ઇન્ડેક્સ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા છે. આની સાથે અમેરિકા અને ભારત સહિત વિશ્વભરનાં શેરબજારોના સૂચકાંકોમાં તેજી હતી. બીએસઈનું માર્કેટ કેપ રૂ. 179 લાખ કરોડ થયું હતું. સેન્સેક્સને 35,000થી 45,000 સુધી પહોંચવામાં ત્રણ વર્ષ લાગ્યાં હતાં.

મુંબઈ શેરબજાર ગઈ કાલે સવારે મજબૂત ખૂલ્યું હતું. ઇન્ટ્રા-ડે દરમ્યાન બેતરફી વધઘટ પછી ટ્રેડિંગ સેશનને અંતે 447 પોઇન્ટ ઊછળી 45,080ના મથાળે બંધ રહ્યો હતો. વિદેશી ફંડોએ ચાલુ નાણાકીય વર્ષમાં ધૂમ ખરીદી કરી હતી. તેમણે અત્યાર સુધીમાં બજારમાંથી રૂ. 62,782 કરોડનું મૂડીરોકાણ કર્યું છે. તેમણે ગઈ કાલે રૂ. 2970 કરોડનું મૂડીરોકાણ કર્યું હતું.અમેરિકામાં રાહત પેકેજની આશાએ યુરોપીય બજારોમાં પણ શુક્રવારે તેજી હતી.

આ વર્ષે કોરોના વાઇરસને લીધે શેરબજારોમાં મોટા ગાબડાં પડ્યાં હતાં. જેથી સેન્સેક્સે માર્ચમાં 25,640ના સ્તરે પહોંચ્યો હતો. એ પછી વિદેશી ફંડોની આક્રમક લેવાલીએથી સ્થાનિક શેરબજારો નવી ઊંચાઈ પહોંચ્યા હતાં. વળી, હવે કોરોના વેક્સિન જલદી આવવાની ધારણાએ સેન્ટિમેન્ટ તેજીતરફી થયું હતું. બજારને બહુ જલદી આર્થિક કામકાજ સામાન્ય થવાની અપેક્ષા છે. આ ઉપરાંત સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીઓનાં પરિણામો પ્રોત્સાહક રહ્યાં હતાં. વળી, સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જીડીપી માત્ર 7.5 ટકા જ ઘટ્યો હતો. એ જ અંદાજથી ઘણો ઓછો હતો. જૂન ત્રિમાસિક ગાળામાં જીડીપી 23.9 ટકા ઘટ્યો હતો.