રોગચાળામાં લિસ્ટિંગ થયેલા 11 શેરોએ નોંધપાત્ર વળતર આપ્યું

અમદાવાદઃ કોરોના રોગચાળા દરમ્યાન પ્રાઇમરી માર્કેટ હોટ સ્પોટ બની ગયું છે, કેમ કે વધુ ને વધુ કોર્પોરેટ્સ રોકાણકારોના સેન્ટિમેન્ટ્સનો લાભ ઉઠાવ્યો છે. વિવિધ કેન્દ્રીય બેન્કોની ઢીલી ધિરાણ નીતિને કારણે સિસ્ટમમાં પર્યાપ્ત રોકડની તરલતા, સેકન્ડરી માર્કેટની તેજી અને રિટેલ રોકાણકારોના મૂડીપ્રવાહને લીધે ઇનિશિયલ પબ્લિક ઇસ્યુ (IPOs)માં મોટા પાયે રોકાણપ્રવાહ જોવા મળ્યો હતો. માર્ચ, 2020 પછી કમસે કમ 40 IPO માર્કેટમાં આવ્યા અને એના થકી આશરે રૂ. 69,300 કરોડ ઊભા કરવામાં આવ્યા હતા. આ યાદીમાંથી 11 શેરો ઇશ્યુ કિંમતથી બે ગણા વધી ચૂક્યા છે. સૌથી વધુ ઊંચો દેખાવ કરનાર શેરોમાં  હેપિયેસ્ટ માઇન્ડ્સ ટેક્નોલોજીસ અને રૂટ મોબાઇલ ક્રમશઃ 586 ટકા અને 406 ટકા ઊછળી ચૂક્યા છે. 40માંથી માત્ર ચાર IPO નુકસાનમાં રહ્યા છે, જેમાં બ્રુકફિલ્ડ ઇન્ડિયા રિયલ એસ્ટેટ ટ્રસ્ટ, ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન, કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્કનો સમાવેશ થાય છે.

હેપીયેસ્ટ માઇન્ડ્સ ટેક્નોલોજીના ઇસ્યુનું કદ રૂ. 702 કરોડ હતું. આ શેર 17 સપ્ટેમ્બર, 2020એ રૂ. 166ના ભાવે લિસ્ટ થયો હતો, જે પહેલી જુલાઈએ 586 ટકા ઊછળીને રૂ. 1139.20ના ભાવે ટ્રેડ થતો હતો. એ જ રીતે રૂટ મોબાઇલ લિ.ના ઇસ્યુનું કદ રૂ. 600 કરોડ હતું અને આ શેરની રૂ. 350ની ઇસ્યુ કિંમત હતી, જે 21 સપ્ટેમ્બર, 2020એ લિસ્ટ થયો હતો, જે 406 ટકા ઊછળી પહેલી જુલાઈ, 2021એ રૂ. 1771.50 ઊંચામાં બોલાયો હતો. આ સાથે ન્યુરેકા લિ.ના ઇસ્યુનું કદ રૂ. 100 કરોડ હતું. જેની ઇસ્યુની કિંમત રૂ. 400 હતી, જે 25 ફેબ્રુઆરી, 2021એ શેરબજારોમાં લિસ્ટ થયો હતો. જે પહેલી જુલાઈ, 2021એ 299 ટકા વધીને રૂ. 1597.80ની ઊંચાઈએ પહોંચ્યો હતો.

એ જ રીતે લિખિતા ઇન્ફ્રા 238 ટકા, એન્જલ બ્રોકિંગ 186 ટકા, રોસારી બાયોટેક 181 ટકા, બર્ગર કિંગ 165 ટકા, કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસિસ લિ. 126 ટકા, ગ્લેન્ડ ફાર્મા 124 ટકા, ઇઝી ટ્રિપ પ્લાનર 109 ટકા અને એમટાર ટેક્નોલોજીસનો શેર 102 ટકા વધ્યા હતા.