મુંબઈઃ એનએસઈ (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ)એ કૉ-લૉકેશન માટે જગ્યા કરવા અમુક કામકાજ વૈકલ્પિક સાઇટ પર ખસેડ્યાં હતાં અને ૨૪મી ફેબ્રુઆરીએ સર્જાયેલી મોટી ટેક્નિકલ ખામી માટે એ પગલું જવાબદાર હોવાની શંકા ઊભી થઈ છે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ એક્સચેન્જમાં ગત ૨૪મી ફેબ્રુઆરીએ સર્જાયેલી ટેક્નિકલ ખામી પાછળ એક્સચેન્જનું વૈકલ્પિક ડેટા સેન્ટર જવાબદાર હતું કે કેમ એ બાબતે સેબી તપાસ કરી રહી છે. એક્સચેન્જમાં ઇન્ડેક્સની ગણતરી તથા ક્લીયરિંગનાં કામકાજ મુખ્ય કેન્દ્રમાંથી થવાને બદલે કુર્લા પશ્ચિમસ્થિત કોહીનૂર સિટી ડેટા સેન્ટર ખાતે તેની વૈકલ્પિક રિકવરી સાઇટ પરથી થાય છે કે કેમ એ તપાસનો વિષય છે. એનએસઈએ કોહીનૂર ડેટા સેન્ટર વિશે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હોવાનું ઉક્ત અહેવાલમાં કહેવાયું છે.
અહેવાલ અનુસાર ૨૪મી ફેબ્રુઆરીએ બૅન્ક નિફ્ટી અને નિફ્ટી ઇન્ડેક્સના ડેટાની ગણતરીમાં સવારે ૧૦.૦૭ વાગ્યાની આસપાસ ખામી સર્જાઈ હતી. ૧૧.૪૦ વાગ્યા સુધી આ બન્ને ઇન્ડેક્સ અપડેટ થઈ રહ્યા નહતા તેથી એક્સચેન્જે ટ્રેડિંગ સંપૂર્ણપણે બંધ કરાવી દીધું હતું. એક્સચેન્જનું મુખ્ય સેન્ટર બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતેની તેની મુખ્ય ઈમારતમાં છે. આ કેન્દ્રમાંથી સ્ટૉક બ્રોકર્સ, ટીવી ચૅનલ્સ અને સમાચાર સેવાઓને ડેટા મોકલવામાં આવે છે. આ જ કારણ છે કે કોઈ બ્રોકરે કનેક્ટિવિટી બાબતે ૧૧.૪૦ વાગ્યા સુધી ફરિયાદ કરી નહતી.
સૂત્રોનું કહેવું છે કે ટેક્નિકલ ખામીનું મૂળ ઇન્ડેક્સની ગણતરી કરતા સર્વર સાથેની લિંક હોય એ શક્ય છે. આ સર્વર મુખ્ય ઈમારતને બદલે કુર્લાના વૈકલ્પિક સેન્ટરમાં હતું. આ વિસંવાદિતા બાબતે સેબીએ તપાસ શરૂ કરી છે.
ઉક્ત અહેવાલ પરથી જાણવા મળે છે કે એનએસઈએ કૉ-લૉકેશનનાં સર્વિર મુખ્ય ઈમારતમાં રાખવા માટે કોહીનૂર સિટી ખાતે ઑફિસ સ્પેસ ખરીદીને ડેટા સેન્ટરનાં અમુક કામકાજ ત્યાં ખસેડ્યાં હતાં. ૨૪મી ફેબ્રુઆરીએ બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ અને કોહીનૂર સેન્ટર વચ્ચે ડેટાનું આદાનપ્રદાન અટકી ગયું. એક્સચેન્જની કહેવા માટેની ડિઝાસ્ટર રિકવરી સાઇટ ચેન્નઈમાં છે, પરંતુ કોહીનૂર ડેટા સેન્ટરને નિયર ડિઝાસ્ટર રિકવરી સાઇટ ગણવામાં આવે છે. આમ, બ્રોકરોને કૉ-લૉકેશનની સુવિધા આપવા માટે એક્સચેન્જે મુખ્ય ઈમારતમાં તેનાં સર્વર મૂક્યાં અને અમુક કામકાજ કોહીનૂર સાઇટ પર લઈ જવાયું. આને કારણે ૨૪મી ફેબ્રુઆરીએ કામકાજ અટકી પડ્યું હોઈ શકે છે.