અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ-અમદાવાદે (SVPIA) ક્રિકેટ વર્લ્ડ કપ-23 ફાઇનલને દિવસે 40,801 મુસાફરોને સેવા આપી નવો રેકોર્ડ બનાવ્યો છે. માઇક્રો પ્લાનિંગ અને આગોતરી સુસજ્જતા સાથે એરપોર્ટે 19 નવેમ્બર, 2023એ અત્યાર સુધીની સૌથી વધુ ફ્લાઇટ મુવમેન્ટ સંભાળવામાં પણ વિક્રમ સર્જયો છે. એરપોર્ટે સફળ કામગીરી થકી 260થી વધુ શિડ્યુલ્ડ અને 99 નોન-શિડ્યુલ્ડ એમ કુલ 359 એર ટ્રાફિક મુવમેન્ટ્સ (ATM)નો રેકોર્ડ સર્જ્યો છે. SVPI એરપોર્ટ પરથી મુસાફરી કરનારા 40,801 મુસાફરોમાં 33,642 સ્થાનિક અને 7159 આંતરરાષ્ટ્રીય મુસાફરોનો સમાવેશ થાય છે.
ભારતીય વાયુસેનાના એર શોને કારણે 45 મિનિટથી વધુ એરસ્પેસ બંધ રાખવામાં આવ્યા બાદ 23 કલાકમાં આ માઇલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો છે. સર્વાધિક મુસાફરોની અવરજવર સાથે, અમદાવાદ એરપોર્ટે બે VVIP મહેમાનોના સ્વાગત સાથે તેમની ફ્લાઇટની અવરજવરનું સંકલન સુનિશ્ચિત કર્યું હતું.આ અસાધારણ સિદ્ધિ SVPI એરપોર્ટના સુવિકસિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અવિરત સુધારાઓનું પરિણામ છે. AAI, CISF, ઇમિગ્રેશન, કસ્ટમ્સ, એરલાઇન પાર્ટનર્સ અને SVPIA ટીમ સહિત એરપોર્ટ સ્ટાફના સમર્પણ અને મહેનતને કારણે આ શક્ય બન્યું છે.
મુસાફરોના શ્રેષ્ઠ અનુભવ માટે અમદાવાદ એરપોર્ટમાં વિગત વર્ષોમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. સેલ્ફ-બેગેજ ડ્રોપ, નવો ઇમિગ્રેશન એરિયા, ડોમેસ્ટિક ટર્મિનલમાં અરાઈવલ એક્સટેન્શન, ડોમેસ્ટિક ટર્મિનલમાં નવો સિક્યોરિટી ચેક એરિયા, ડાયનેમિક ક્યુ મેનેજમેન્ટ અને ફ્લોર-વોકિંગ કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ્સ જેવી સુવિધાઓથી મુસાફરોને ટર્મિનલ બિલ્ડિંગમાંથી સરળતાથી પસાર થવામાં મદદ મળે છે.
તાજેતરમાં જ ટર્મિનલ ગેટમાં ઝડપી પ્રવેશ માટે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ડિજી યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વધારાના બેલ્ટ સાથેનો અરાઇવલ હોલ, અપગ્રેડ ચેક-ઇન સિસ્ટમ, પ્રી-SHA એરિયામાં વધારો, એક્સ-રે મશીનો વગેરેનો સમાવેશ થાય છે.અગાઉ 18મી નવેમ્બરે SVPI એરપોર્ટ પર 2જી સૌથી વધુ પેસેન્જર મૂવમેન્ટ જોવા મળી હતી, જ્યારે એરપોર્ટે 273 ફ્લાઇટ મૂવમેન્ટ સાથે 38723 મુસાફરોને સેવા પૂરી પાડી હતી. તો 19મી ફેબ્રુઆરીના રોજ 268 ATM સાથે 37,793 પેસેન્જર સાથે ત્રીજીં સૌથી વધુ પેસેન્જર મુવમેન્ટ જોવા મળી હતી.