નવી દિલ્હીઃ દેશમાં સર્વત્ર ગાજેલા નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)ના પૅમેન્ટ કટોકટીના પ્રકરણમાં સર્વોચ્ચ અદાલતે કેતન શાહની સ્પેશિયલ લીવ પીટિશનને ફગાવી દીધી છે. આ ચુકાદાને પગલે હવે એનએસઈએલના નાના દાવેદારોને લેણી રકમ મળવાનો માર્ગ મોકળો થયો છે.
ઉક્ત કેસમાં ૨થી ૧૦ લાખ રૂપિયા સુધીની લેણી રકમ ધરાવતા દાવેદારોને એસ્ક્રો અકાઉન્ટમાંથી તાત્કાલિક ધોરણે નાણાંની ચૂકવણી કરવી એવો આદેશ મુંબઈ વડી અદાલતે હાલમાં સક્ષમ સત્તા (કોમ્પીટન્ટ ઑથોરિટી)ને આપ્યો હતો. જોકે, કેતન શાહના વડપણ હેઠળના એનએસઈએલ ઇન્વેસ્ટર્સ ઍક્શન ગ્રુપે (એનઆઇએજી) આદેશને સર્વોચ્ચ અદાલતમાં પડકારવાની અપીલ કરવાનો નિર્ણય લીધો હતો. હવે સર્વોચ્ચ અદાલતે કેતન શાહની અરજીને ડિસમિસ કરી છે.
એનએસઈએલે અગાઉ પોતાની પેરન્ટ કંપની ૬૩ મૂન્સ ટેક્નોલોજીસ (જૂનું નામ ફાઇનાન્શિયલ ટેક્નોલોજીસ) પાસેથી લોન લઈને ૨ લાખ રૂપિયા સુધીની રકમના દાવેદારોને ૧૦૦ ટકા તથા ૧૦ લાખ સુધીની રકમના દાવેદારોને ૫૦ ટકા રકમ ચૂકવી પણ દીધી હતી. એક્સચેન્જનું કહેવું છે કે ત્યાર બાદ વેપારીઓનાં સંગઠન તરીકેનો દાવો કરનારાં એનઆઇએજી (એનએસઈએલ ઇન્વેસ્ટર્સ ઍક્શન ગ્રુપ), નારા (એનએસઈએલ એગ્રીવ્ડ ઍન્ડ રિકવરી એસોસિયેશન) અને એનઆઇએફ (એનએસઈએલ ઇન્વેસ્ટર્સ ફોરમ) દ્વારા આ પ્રક્રિયામાં સતત અવરોધ ઊભો કરવામાં આવ્યો છે.
વડી અદાલતનો આદેશ એનએસઈએલના કથિત ૧૩,૦૦૦ દાવેદારોમાંથી ૬,૪૪૫ નાના દાવેદારોની તરફેણમાં હતો, પરંતુ એ આદેશને પડકારવામાં આવ્યો છે. કેતન શાહ ખરેખર કોનાં હિતનું રક્ષણ કરી રહ્યો છે એવો સવાલ એનએસઈએલે ઊભો કર્યો હતો.
અગાઉ, એક્સચેન્જના પ્રવક્તાએ જણાવ્યા મુજબ એસ્ક્રો અકાઉન્ટમાં પડેલા ૨૫૦ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવે તો આશરે ૬,૪૪૫ દાવેદારોને એમનાં બધાં લેણાં મળી શકે છે. કેતન શાહ અને એનઆઇએજીએ નાના દાવેદારોને મદદરૂપ થવાના ઓઠા હેઠળ સરકારને તથા તપાસનીશ ઍજન્સીઓને ગેરમાર્ગે દોરી છે.